ભારત નોન ટેરિફ અવરોધો ઘટાડે, યુએસ પ્રોડક્ટ્સ ખરીદે

જયપુર, જયપુરમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતાં અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જે ડી વેન્સે ભારતને ટેરિફ સિવાયના અવરોધોમાં ઘટાડો કરવાની, અમેરિકાની પ્રોડક્ટ્સ માટે બજારને વધુ ખોલવાની તથા અમેરિકન ઊર્જા અને મિલિટરી હાર્ડવેરની ખરીદીમાં વધારો કરવાનો અનુરોધ કર્યાે હતો.
તેમણે ૨૧મી સદીને સમૃદ્ધ અને શાંતિપૂર્ણ બનાવવા માટે બંને રાષ્ટ્રો વચ્ચે ગાઢ સંબંધોની રૂપરેખા પણ રજૂ કરી હતી.વેન્સે વારંવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી અને મોદીને ‘વિશેષ વ્યક્તિ’ ગણાવ્યા હતાં અને વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે ભારત અને અમેરિકાએ એક થઈને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
વેન્સે જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સાથે મજબૂત સંબંધો બનાવવા ઇચ્છે છે. ભારત અને અમેરિકા પાસે એકબીજાને આપવા માટે ઘણું બધું છે. બંને સાથે મળીને કામ કરીને ઘણું બધું મેળવી શકે છે. આ જ કારણથી પ્રેસિડન્ટ ટ્રમ્પ અનેક રાજદ્વારી સંગઠનોમાં ભારતના નેતૃત્વનું સ્વાગત કર્યું છે.
વેન્સ ભારતના નાગરિક પરમાણુ જવાબદારી કાયદામાં સુધારો કરવા માટે મોદી સરકારની બજેટ જાહેરાતનું પણ સ્વાગત કર્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાને પોતાના પરિવારના કરેલા ઉષ્માભર્યા અતિથિ સત્કારની જોરદાર પ્રશંસા કરતાં અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટે જણાવ્યું હતું કે તેમના ત્રણ બાળકો ઇવાન, વિવેક અને મીરાબેલે બે વિશ્વ નેતાઓ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીના ગાઢ મિત્ર બની ગયા છે.
ગઈકાલે અમે પીએમના ઘરે રાત્રિભોજન કર્યું હતું. ઇવાન મારી પાસે આવ્યો અને કહ્યું પપ્પા, હું ભારતમાં રહી શકું. મોદીનો આતિથ્ય સત્કાર મારા બાળકોને ખૂબ ગમ્યો હતો. મને લાગે છે કે તે આપણા સંબંધોના ભવિષ્ય માટે એક મહાન પાયો છે. વેન્સે કહ્યું કે તેમની પત્ની ઉષા ભારતમાં તેમના કરતાં એક મોટી સેલિબ્રિટી બની છે.SS1MS