ભારતે ૨૦૨૨માં ૮૪ વખત ઈન્ટરનેટ સેવા બંધ કરી હતી
નવી દિલ્હી, વર્ષ ૨૦૨૨ની વાત કરવામાં આવે તો ભારતે કુલ ૮૪ વખત ઇન્ટરનેટ સેવા બંધ કરી છે. જે કારણે ભારત સતત પાંચમી વખત ઈન્ટરનેટ સેવા બંધ કરનારા દેશોની યાદીમાં ટોચ પર છે. ભારતમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવાના ઘણા કારણો જાેવા મળ્યા હતા. જેમ કે, દેશમાં વિરોધ પ્રદર્શન, પરીક્ષાનું આયોજન કરવવા તેમજ ચૂંટણી સહિતના અનેક કારણો જાેવા મળે છે. તાજેતરમાં રજૂ કરવામાં આવેલા એક અહેવાલ અનુસાર, ૨૦૨૨માં જે રાજ્યમાં ઈન્ટરનેટ સેવા ખોરવાઈ તેમાં જમ્મુ અને કાશ્મીર સૌથી આગળ જાેવા મળ્યું હતું. જ્યાં ૪૯ વખત ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી.
જમ્મુ-કાશ્મીરમાં વર્ષ ૨૦૨૨માં જાન્યુઆરીથી ફેબ્રુઆરી વચ્ચે એક પછી એક ૧૬ વખત ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી અને રાજસ્થાનમાં અલગ-અલગ કારણના લીધે ૧૨ વખત ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. જાે પશ્ચિમ બંગાળની વાત કર્યે તો ૭ વખત ઇન્ટરનેટ સેવા બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. અહેવાલ એવું દર્શાવે છે કે, વર્ષ ૨૦૧૬થી ઈન્ટરનેટ સેવા શટડાઉનના લગભગ ૫૮ ટકા તો ભારતમાં જ થયા છે. જાેકે અહેવાલ મુજબ એવું દર્શાવવામાં આવ્યું કે, ૨૦૨૧ ની સરખામણીએ ઓછી વખત ઈન્ટરનેટ સેવા ખોરવાઈ છે.
અહેવાલ રજૂ થયા બાદ એક નિષ્ણાતએ જણાવ્યું હતું કે, ભારતે દુનિયા પરના અન્ય દેશ કરતાં વધુ ઇન્ટરનેટ બંધ કર્યું છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ૮૪ વખત ઇન્ટરનેટ સેવા બંધ કરવી તે મૂળભૂત અધિકારો પર હુમલા જેવું કામ કરે છે. જી૨૦ની અધ્યક્ષતા ધરાવતા દેશ માટે અને ભારતના ટેક અર્થતંત્ર તેમજ ડિજિટલ આજીવિકાની મહત્વાકાંક્ષાના ભાવિને જાેખમમાં મૂકે છે.
તાજેતરમાં સંસદીય સ્થાયી સમિતિએ ઈન્ટરનેટ શટડાઉન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સમિતિએ આ મહિનાની શરૂઆતમાં સંસદમાં રજૂ કરેલા તેના અહેવાલમાં, ટેલિકોમ વિભાગને નિર્દેશ આપ્યો હતો કે ઇન્ટરનેટ શટડાઉન નિયમોના દુરુપયોગને રોકવા માટે ગૃહ મંત્રાલય સાથે સ્પષ્ટ સિદ્ધાંત પર કામ કરે. ઈન્ટરનેટ સેવા બંધ થવાથી માત્ર દેશની અર્થવ્યવસ્થાને જ નુકસાન થતું નથી, પરંતુ પ્રેસની સ્વતંત્રતા અને માનવ અધિકારોના મુલ્યોને પણ અસર થાય છે. ૨૦૧૬માં, યુનાઈટેડ નેશન્સે ઈન્ટરનેટ એક્સેસને મૂળભૂત માનવ અધિકાર તરીકે માન્યતા આપી હતી. કેરળ ભારતનું એકમાત્ર રાજ્ય છે જ્યાં હાઈકોર્ટના આદેશ બાદ ઈન્ટરનેટ એક્સેસને મૂળભૂત અધિકાર ગણવામાં આવ્યો છે. SS2.PG