ભારત સોફ્ટવેર પ્રોડક્ટ્સના મુખ્ય મથક બનવા પર ધ્યાન આપેઃ મુર્મુ
નવીદિલ્હી, સોફ્ટવેર ક્ષેત્રે વિશ્વભરમાં પોતાની કુશળતાનો ડંકો વગાડનાર ભારતે હવે સોફ્ટવેર પ્રોડક્ટ્સના મુખ્ય કેન્દ્ર બનવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જાેઈએ તેમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ જણાવ્યું હતું. ૭માં ડિજિટલ ઈન્ડિયા એવોર્ડ્ઝ સમારંભને સંબોધતા મૂર્મુએ જણાવ્યું હતું કે સ્થાનિક ડિજિટલ સોલ્યુશન્સને પ્રોત્સાહન આપવા માટે સરકારી ડેટાનું લોકતાંત્રીકરણની દિશામાં કામ કરવું જાેઈએ.
તમામ લોકો સરકારી ડેટાની જાણકારી મેળવી શકે તેવી વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રીત કરવા પર ભાર મુકતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આમ કરવાથી સ્થાનિક સમસ્યાઓનો ટેક્નોલોજીના માધ્યમથી યોગ્ય ઉકેલ શોધવામાં મદદ મળી રહેશે.
મૂર્મુએ જણાવ્યું હતું કે આપણે પ્રવર્તમાન નીતિઓનો લાભ લઈ, મેડ ઇન ઇન્ડિયા ટેકનોલોજીનું નિર્માણ કરીને દેશને સોફ્ટવેર અને હાર્ડવેર ઉત્પાદનોના વૈશ્વિક પાવરહાઉસ તરીકે સ્થાપિત કરવા માટે ઇકોસિસ્ટમનો લાભ લેવો જાેઈએ. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિએ ડિજિટલ ગવર્નન્સના ક્ષેત્રમાં ૨૨ સરકારી સંસ્થાઓને એવોર્ડ એનાયત કર્યા હતા.
લોક-કેન્દ્રિત શાસન માટે અને ખાસ કરીને કોરોના મહામારી દરમિયાન ટેક્નોલોજીના ઉપયોગમાં ભારતે અત્યંત સફળ દેખાવ કર્યો હતો, જેનો લાભ વિશ્વના અન્ય દેશોને પણ મળ્યો છે. વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવવામાં ડિજિટલ ઇન્ડિયાએ પણ અત્યંત મહત્વની ભૂમિકા ભજવી છે.
ભારત હવે જ્યારે જી૨૦ના અધ્યક્ષ પદે છે ત્યારે આ તમામ બાબતો અત્યંત મહત્વની બની જાય છે તેમ રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભારતે સ્વદેશી રીતે વિકસિત ૫જી ટેક્નોલોજીનું અનાવરણ કર્યું છે, અને દેશમાં ૫જી સેવાઓ શરૂ થવાથી શાસનની પદ્ધતિમાં પણ પરિવર્તન આવશે.
મુર્મુએ જણાવ્યું હતું કે, ‘આપણે સરકારી ડેટાનું લોકશાહીકરણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જાેઈએ જેથી યુવાનો તેનો ઉપયોગ સ્થાનિક ડિજિટલ સોલ્યુશન્સ વિકસાવવા માટે કરી શકે.’
મૂર્મુએ વધુમાં જણાવ્યું હતું કે મને ખાતરી છે કે ડિજિટલ અંત્યોદય તરફની આપણી યાત્રામાં સમાજના નબળાં અને પછાત વર્ગોનો સમાવેશ કરવા ઉપરાંત આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો સુનિશ્ચિત કરીને ભારત એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રસ્થાપિત કરી રહ્યું છે.HS1MS