ભારત અને યુએઈ સંરક્ષણ સહિતના ક્ષેત્રે સહયોગ વધારવા આતુર: મોદી

પીએમ મોદી અને દુબઈના ક્રાઉન પ્રિન્સ વચ્ચે મુલાકાત યોજાઈ
નવી દિલ્હી, ભારતના બે દિવસના સત્તાવાર પ્રવાસે આવેલા દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તુમે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
આ મુલાકાત બાદ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ક્રાઉન પ્રિન્સ સાથેની મુલાકાતથી બંને દેશોના સંબંધો વધુ મજબૂત બનશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને યુએઈ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને આગળ ધપાવવામાં દુબઈએ મહત્વની ભૂમિકા ભજવી છે.
દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાનને મળીને હું અત્યંત આનંદની લાગણી અનુભવુ છું. તેમની આ વિશેષ મુલાકાત બંને દેશો વચ્ચેની ગાઢ મિત્રતાનો પુરાવો છે જેનાથી ભવિષ્યના મજબૂત સહયોગના દ્વાર ખુલ્યાં છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ યુએઈથી આવેલાં એક પ્રતિનિધિ મંડળ સાથે અલગથી મંત્રણા કરી હતી. મંત્રણા દરમિયાન સંરક્ષણ મંત્રીએ યુએઈ સાથે સંરક્ષણ ક્ષેત્રે સાથે મળીને કામ કરવાની આશા વ્યક્ત કરી હતી.
ભારત અને યુએઈ પ્રદેશમાં શાંતિ અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ છે તેમ તેમણે જણાવ્યું હતું. રાજનાથ સિંહ ઉપરાંત વિદેશમંત્રી એસ. જયશંકર પણ ક્રાઉન પ્રિન્સને મળ્યાં હતાં. વિદેશમંત્રીએ આ મુલાકાતને બંને દેશોના સંબંધો માટે અત્યંત મહત્વની ગણાવી હતી.SS1MS