Western Times News

Gujarati News

ભારત ક્યારેય ન્યૂક્લિયર બ્લેકમેઈલને તાબે નહીં થાયઃ જયશંકરનો હુંકાર

બર્લિન, ત્રાસવાદ વિરુદ્ધ ભારતની નીતિ હંમેશા ઝીરો ટોલરન્સની રહી છે અને તે ક્યારેય ન્યૂક્લિયર બ્લેકમેઈલિંગને તાબે નહીં થાય તેમ વિદેશમંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું.

બર્લિન ખાતે જર્મનીના વિદેશમંત્રી સાથેની મંત્રણા બાદ જયશંકરે જણાવ્યું હતું કે, આ મામલે કોઈ પણ જગ્યાએ લેશમાત્ર ગૂંચવણ ના હોવી જોઈએ. દરેક રાષ્ટ્રને ત્રાસવાદ વિરુદ્ધ પોતાનો બચાવ કરવાનો અધિકાર છે તેવી જર્મનીની સમજને અમે આવકારીએ છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પહેલગામમાં થયેલાં આતંકી હુમલા બાદ ભારતે આપેલી પ્રતિક્રિયા બાદ હું જર્મની આવ્યો છું.

ભારત ક્યારેય ત્રાસવાદને સાંખી નહીં લે કે તે ક્યારેય ન્યૂક્લિયર બ્લેકમેઈલિંગ સામે નમતું નહીં જોખે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સોદો સંપૂર્ણ દ્વિપક્ષીય હશે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.જર્મનીના વિદેશમંત્રી જોહાન્ન વેડફુલે જણાવ્યું હતું કે, ત્રાસવાદ વિરુદ્ધની કોઈ પણ લડાઈમાં બર્લિન સહાય કરશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ત્રાસવાદને વિશ્વમાં ક્યાંય પણ આશ્રય ના મળવો જોઈએ અને આથી જ ત્રાસવાદ વિરુદ્ધ લડતાં દરેકને અમે ટેકો આપીશું. બંને દેશો વચ્ચે થયેલાં સીઝફાયરને અમે આવકારીએ છીએ અને આશા રાખીએ છીએ કે ટૂંક સમયમાં તેનો સ્થાયી ઉકેલ આવે.ભારતની વિદેશ નીતિ સંપૂર્ણ પડી ભાંગી હોવાનો આક્ષેપ કરતાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વિદેશમંત્રી જયશંકરને કેટલાંક સવાલો કર્યાં હતાં.

એક સોશિયલ મીડિયા પોસ્ટ પર જયશંકરને ટેગ કરી તેમણે સવાલ કર્યાં હતાં કે, ભારતને પાકિસ્તાન સાથે કેમ જોડવામાં આવ્યું. ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મધ્યસ્થતા કરવા કોણે કહ્યું હતું તથા પાકિસ્તાનની નિંદા કરવામાં કેમ એક પણ દેશે ભારતનો સાથ ના આપ્યો.

ભાજપે રાહુલના સવાલો સામે વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, રાહુલે દેશની સુરક્ષાને જોખમમાં મુકાય તેવા સવાલો પૂછવાનું બંધ કરવું જોઈએ. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટીયાએ રાહુલ ગાંધીને નિશાન-એ-પાકિસ્તાન ગણાવી જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીના બેજવાબદાર નિવેદનોને હથિયાર બનાવી પાકિસ્તાન ભારતને વૈશ્વિક સ્તરે બદનામ કરી રહ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.