ભારતની જીત બાદ કેપ્ટન રોહિતનો વિડીયો વાયરલ થયો
કોહલીએ ૮૨ રનની શાનદાર ઈનિંગ રમીને ભારતને જીત અપાવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી
મેલબોર્ન, ટીમ ઈન્ડિયાએ ટી૨૦ વર્લ્ડ કપમાં પ્રથમ મેચ પાકિસ્તાન સામે જીતીને શાનદાર શરુઆત કરી છે. એક સમયે ભારતની સ્થિતિ પાકિસ્તાન સામે ખરાબ હતી ત્યારે વિરાટ કોહલીએ ૮૨ રનની શાનદાર ઈનિંગ રમીને ભારતને જીત અપાવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી.
પાકિસ્તાને આપેલા ૧૬૦ રનના ટાર્ગેટ સામે ભારતે ૬ વિકેટ ગુમાવીને ટાર્ગેટ મેળવી લીધો હતો. પાકિસ્તાનને હરાવ્યા બાદ રોહિત શર્માએ મેદાન પર વિરાટ કોહલીને ઉંચકી લીધો હતો.
અંતિમ ઓવરના અંતિમ બોલ સુધી ચાલેલી રોમાંચક મેચમાં વિરાટ કોહલી ૫૩ બોલમાં ૮૨ રન બનાવ્યા હતા. વિરાટની આ ઈનિંગમાં ૪ સિક્સર અને ૬ ફોરનો સમાવેશ થાય છે. વિરાટ કોહલીની આ તોફાની બેટિંગ બાદ ભારતને મળેલી જીતથી કેપ્ટન રોહિત શર્મા ખુબ જ ખુશ થઈ ગયો હતો.
એક સમયે મેચ ભારતના હાથમાંથી સરકી રહી હતી ત્યારે વિરાટ કોહલીએ પોતાની મહત્વપૂર્વ બેટિંગ રણનીતિ સાથે ભારતનું મેચમાં કમબેક કરાવ્યું હતું. ત્યારે આ મેચના હીરો વિરાટને રોહિત શર્માએ ખભા પર ઉંચકી લીધો હતો. વિરાટ અને રોહિતની દોસ્તીને દર્શાવતી આ ક્ષણનો વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ ક્ષણનો ફોટો અનુષ્કા શર્માએ પણ પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો છે.