ઝિમ્બાબ્વે સામે પ્રથમ વનડેમાં ભારતનો ૧૦ વિકેટે વિજય
હરારે, હરારેમાં રમાયેલી પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાએ ૧૦ વિકેટે જીત મેળવી છે. આ સાથે ત્રણ મેચની સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. ઝિમ્બાબ્વેની ટીમે પ્રથમ બેટિંગ કરતા માત્ર ૧૮૯ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ ૩૦.૫ ઓવરમાં વિના વિકેટે લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.
ભારત માટે બોલરોના દમદાર પ્રદર્શન બાદ ઓપનર શિખર ધવન અને શુભમન ગિલે કમાલ કરી દીધો. ગિલે અણનમ ૮૨ અને ધવને અણનમ ૮૧ રન બનાવ્યા હતા. આ પહેલા અક્ષર પટેલ, પ્રસિદ્ધ કૃષ્ણા અને દીપક ચાહરે બોલિંગમાં ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.
નોંધનીય છે કે કેએલ રાહુલની આગેવાનીમાં આ પ્રથમ જીત છે. લક્ષ્યનો પીછો કરતા ભારતની ઓપનિંગ જાેડી ધવન અને ગિલે શાનદાર બેટિંગ કરી અને પાવરપ્લેમાં ૪૩ રન બનાવ્યા હતા. બંનેએ આસાનીથી ઝિમ્બાબ્વેના બોલરોનો સામનો કર્યો હતો. ધવને ૭૬ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને ૨૦મી ઓવરમાં ભારતનો સ્કોર ૧૦૦ને પાર પહોંચાડી દીધો હતો.
ત્યારબાદ ગિલે આક્રમક બેટિંગ કરતા ૫૧ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેના પરિણામસ્વરૂપ ૨૬ ઓવર બાદ ભારતનો સ્કોર ૧૫૩ રન થઈ ગયો હતો. ત્યારબાદ ૩૦.૫ ઓવરમાં શિખર ધવને બાઉન્ડ્રી ફટકારી જીત અપાવી દીધી હતી.
ધવને ૯ ચોગ્ગાની મદદથી ૧૧૩ બોલમાં ૮૧ રન અને ગિલે ૧૦ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૭૨ બોલમાં ૮૨ રન બનાવ્યા હતા. ભારતે ત્રણ મેચની સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે.HS1Ms