ઇન્ડિયન ૨ – ૧૦૬ વર્ષના સેનાપથિ કઈ રીતે સ્ટંટ કરી શકે?
મુંબઈ, કમલ હસન અને શંકરની ફિલ્મ ‘ઇન્ડિયન ૨’નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. જેમાં ૧૦૬ વર્ષના સેનાપથિની ભૂમિકામાં કમલ હસન એક્શન સિક્વન્સ કરતા દેખાય છે. આ મુદ્દે ઓડિયન્સે ફિલ્મને નકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. ઘણા લોકો માને છે કે આ ફિલ્મ થોડી ઓલ્ડ ફેશન છે. જોકે દર્શકોને સૌથી વધુ ફરિયાદ કમલ હસનના પાત્ર અને મેક અપ અંગે છે.
ફિલ્મના પહેલા ભાગ મુજબ, સેનાપથિનો જન્મ ૧૯૧૮માં થયો છે, હવે બીજા ભાગમાં ફિલ્મમાં ૧૦૬ વર્ષના સેનાપથિ સ્ટંટ કરતા અને ગુંડાઓને મારતા દેખાય છે. તો કેટલાંક નેટિઝન્સે એવા પણ સવાલ ઊઠાવ્યા છે કે, ૧૦૬ વર્ષનો માણસ આવા જોખમી સ્ટંટ કઈ રીતે કરી શકે છે. મુંબઈમાં આ ફિલ્મના ટ્રેલર લોંચની ઇવેન્ટ યોજાઈ હતી. જેમાં પત્રકારોએ શંકર અને કમલ હસનને આ અંગે પ્રશ્નો પૂછ્યા હતા.
કમલ હસને આ પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે,“ઉમર ડિરેક્ટર દ્વારા નક્કી થવી જોઈએ. હું ૧૨૦ વર્ષે પણ એક્ટિંગ કરવાનું પસંદ કરીશ.” શંકરે જણાવ્યું,“ચાઇનામાં એક માર્શલ આર્ટના ગુરુ છે. તેમનું નામ લૂ ઝિજાન છે. તેઓ ૧૨૦ વર્ષની ઉંમરે માર્શલ આર્ટ કરે છે, તેઓ ઊડે છે, કિક મારે છે, બધું જ કરે છે.”
શંકરે વધુમાં કહ્યું,“સેનાપથિનું પાત્ર પણ એક માસ્ટર છે. એ પણ પૌરાણિક માર્શલ આર્ટ વાર્મા કલાઈનો માસ્ટર છે. સેનાપથિ તેનાં ભોજન અંગે પણ અતિશય શિસ્તનું પાલન કરે છે. તે યોગ કરે છે, પ્રાણાયામ કરે છે અને દિવસમાં એક જ વખત જમે છે.
જો તમે તમારી કલામાં નિપુણ છો, શિસ્ત પાલન કરો છો, તો ઉમરનો કોઈ બાધ રહેતો નથી. તમે કોઈ પણ પ્રકારના સ્ટંટ કરી શકો છો.” શંકરની આ સમજ ઘણી તાર્કિક લાગે છે, પરંતુ હવે એ જોવાનું છે કે દર્શકોને સેનાપથિનો તર્ક કેટલો ગળે ઉતરે છે.
તમિલ ઇન્ડસ્ટ્રી માટે આ ફિલ્મની સફળતા ઘણી મહત્વની છે, કારણ કે આ વર્ષ તમિલ ઇન્ડસ્ટ્રી માટે સારું રહ્યું નથી. ઇન્ડિયન ૨ ૧૨ જુલાઈએ રિલીઝ થશે.SS1MS