રજા પર ઘરે આવેલા ભારતીય જવાનનું આતંકવાદીઓએ કર્યુ અપહરણ
જાવેદ અહેમદની કારમાંથી લોહીના ડાઘા મળી આવ્યા છે.
(એજન્સી)શ્રીનગર, દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના અસ્થલ વિસ્તારમાંથી શનિવારે સાંજે આર્મીનો એક જવાન ગુમ થયો હતો. સૈનિકની ઓળખ જાવિદ અહમદ વાની તરીકે થઈ છે, જે મોહમ્મદ અયૂબ વાનીનો પુત્ર છે, તેઓ અસ્થલના રહેવાસી છે. Indian Army jawan on leave abducted by terrorists in Kulgam village
લદ્દાખના લેહ ખાતે તૈનાત ગુમ થયેલો ભારતીય સેનાનો જવાન ઈદ-ઉલ-અઝહાની રજા પર ઘરે આવ્યો હતો.
ગઈકાલે સાંજે જવાન તેના અલ્ટો વાહનમાં કેટલીક ખાદ્ય સામગ્રી ખરીદવા માટે ચાવલગામ વિસ્તારમાં ગયો હતો. ત્યારથી તે પાછો ફર્યો ન હોવાનું તેના પરિવારજનોએ જણાવ્યું હતું.
દરમિયાન ગુમ થયેલા સૈનિકની માતાએ એક વિડીયો મેસેજમાં તમામને અપીલ કરી હતી કે તેઓ તેમના પુત્રને ઘરે પરત લાવવામાં આવે. માતાએ કહ્યું કે, મારો પુત્ર નિર્દોષ છે અને તે ઘણો નાનો છે. મારા દીકરાએ કંઈ ખોટું કર્યું હોય તો હું માફી માંગું છું.
હું મારા પુત્રને ઘરે પરત ફરવા દેવા માટે સૌને અપીલ કરું છું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે સૈનિકને શોધવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર તલાશી દરમિયાન જાવેદ અહેમદ વાનીની કાર પરનાહાલ પાસે મળી આવી હતી. કાર લોક ન હોવાનું સગાંઓને જાણવા મળ્યું હતું.
કારની અંદર જાવેદ અહેમદ વાનીના ચપ્પલ અને લોહીના નિશાન પણ મળી આવ્યા હતા, જેના પછી સંબંધીઓએ પોલીસને જાણ કરી હતી. બીજી તરફ જાવેદ અહેમદ વાનીની હત્યાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે જાવેદ અહેમદની કારમાંથી લોહીના ડાઘા મળી આવ્યા છે.