આતંકવાદીઓના અડ્ડાઓ પર હવાઈ હુમલાઃ 9 સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા

ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” અંતર્ગત PoKમાં હવાઈ હુમલા કર્યા
#OperationSindoor નવી દિલ્હી, ૬ મે ૨૦૨૫: ભારતીય સેનાએ બુધવારે “ઓપરેશન સિંદૂર” શરૂ કરી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠિકાણાઓ પર હવાઈ હુમલા કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ હુમલામાં ઓછામાં ઓછા નવ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ હુમલા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના કોટલી અને મુઝફ્ફરાબાદ વિસ્તારોમાં કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદની અંદર આવેલા બહાવલપુર વિસ્તારમાં પણ હુમલો કરવામાં આવ્યો છે.
ભારતીય સેનાએ ટ્વીટર પર લખ્યું, “ન્યાય પૂર્ણ થયો. જય હિન્દ!”, સાથે હેશટેગ “પહલગામ ટેરર અટેક” નો ઉપયોગ કર્યો હતો. આ હવાઈ હુમલા લગભગ પખવાડિયા પછી કરવામાં આવ્યા છે, જ્યારે પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા આતંકવાદીઓએ પહલગામના બૈસરણ ખીણમાં ૨૬ લોકોની હત્યા કરી હતી.
સેનાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, “આ કાર્યવાહી પહલગામ હુમલાનો બદલો લેવા માટે નહીં, પરંતુ આતંકવાદી સંગઠનોની માળખાકીય સગવડોને નષ્ટ કરવા માટે હાથ ધરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવા હુમલાઓને રોકી શકાય.”
સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે હુમલા પહેલા ભારતે પાકિસ્તાનને આતંકવાદી સંગઠનો વિરુદ્ધ પગલાં લેવા વારંવાર પુરાવા સાથે વિનંતી કરી હતી, પરંતુ પાકિસ્તાને આ બાબતને નજરઅંદાજ કરી હતી. આંતરરાષ્ટ્રીય સમુદાયે આ ઘટનાની નોંધ લીધી છે, અને અમેરિકા, રશિયા અને યુરોપીય સંઘે બંને દેશોને સંયમ જાળવવાની અપીલ કરી છે.
રક્ષા વિશ્લેષકોના મતે, આ હુમલાઓ પહલગામ હુમલાની પ્રતિક્રિયામાં કરવામાં આવ્યા છે અને ભારતનો સંદેશ સ્પષ્ટ છે કે દેશ સરહદ પારથી થતા આતંકવાદનો મક્કમ જવાબ આપશે.