Western Times News

Gujarati News

ભારતીય સેનાને 15 માર્ચ સુધીમાં માલદીવ છોડવા આદેશ

File

(એજન્સી)નવી દિલ્હી, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝૂએ ફરી એક વાર તેવર બતાવ્યા છે. મુઈઝ્ઝૂ સરકારે માલદીવમાંથી ભારતીય સૈનિકોને હટાવવા માટે ૧૫ માર્ચ સુધીનો સમય આપ્યો છે. માલદીવના રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારતીય સૈન્યકર્મીઓને ૧૫ માર્ચ સુધી દેશ છોડવાનો રહેશે.

મુઈઝ્ઝૂનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે તે શનિવારે ચીનની પાંચ દિવસીય યાત્રા ખતમ કરીને માલદીવ પરત ફર્યા છે. આ મુલાકાત દરમ્યાન મુઈઝ્ઝૂએ ચીની રાષ્ટ્રપતિ શીન જિનપીંગ સાથે મુલાકાત કરી હતી. હકીકતમાં જોઈએ તો, છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય સેનાની એક ટુકડી માલદીવમાં તૈનાત છે. આ ટુકડીને માલદીવની પાછલી સરકારના આગ્રહ પર તૈનાત કરી હતી.

થોડા સમય પહેલાં જ યુએઈમાં (UAE) યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (COP28) માટે પક્ષકારોની કોન્ફરન્સના 28મા સત્રની દરમ્યાન રાષ્ટ્રપતિ મુઈઝુએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. મીટિંગ પર ટિપ્પણી કરતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે પીએમ મોદીએ સંદેશ આપ્યો કે તેઓ માલદીવના લોકો દ્વારા લેવામાં આવેલા લોકશાહી નિર્ણયનું સન્માન કરે છે. તેમણે ઉમેર્યું કે પીએમ મોદીએ આ નિર્ણયને માન આપીને માલદીવ અને આ ક્ષેત્ર માટે આગળ વધવાનો શ્રેષ્ઠ માર્ગ ગણાવ્યો.

ભારતીય સેનાની આ ટુકડી સમુદ્રી સુરક્ષા સાથે સાથે ત્રાસદી રાહત કાર્યોમાં માલદીવ સેનાની મદદ કરે છે. પણ હવે મુઈઝ્ઝૂની સરકારે ભારતીય સેનાની ટુકડીને ૧૫ માર્ચ સુધીમાં માલદીવ છોડવાનું ફરમાન આપી દીધું છે. માલદીવના પબ્લિક પોલિસી સેક્રેટરી અબ્દુલ્લા નાઝિમ ઈબ્રાહિમે કહ્યું કે, ભારતીય સૈન્ય કર્મી હવે દેશમાં રહી શકશે નહીં. આ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝૂ અને તેની સરકારની નીતિ છે.

મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, માલદીવમાં ભારતીય સેનાના ૮૮ જવાનો છે. મુઈઝ્ઝૂ સરકાર લગભગ બે મહિના પહેલા જ ભારતીય સૈનિકોની વાપસીનું આહ્વાન કર્યું હતું. પણ હવે તેમને તેના માટે સમય મર્યાદા નક્કી કરી દીધી છે. બે મહિના પહેલા મુઈઝ્ઝૂએ કહ્યું હતું કે, માલદીવે એ ખાતરી કરવાની છે કે, તેમની ધરતી પર વિદેશી સેનાની કોઈ હાજરી ન હોય. મુઈઝ્ઝૂએ ચીનની નજીકના માનવામાં આવે છે, તે પોતાના ઈંડિયા આઉટ અભિયાન દ્વારા તેને માલદીવની સત્તા મળી છે. ગત વર્ષે થયેલી રાષ્ટ્રપતિ ચૂંટણી દરમ્યાન જ મુઈઝ્ઝૂ સરકારે લોકોને વચન આપ્યું હું કે, તે ભારતીય સૈનિકોને પાછા મોકલશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.