બ્રિટનમાં ભાગેડુ બિઝનેસમેન માલ્યા સામેના કેસમાં ભારતીય બેન્કોનો વિજય

નવી દિલ્હી, ભાગેડુ વિજય માલ્યાને બ્રિટનમાં મોટો ઝાટકો લાગ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નેતૃત્વમાં ભારતીય બેંકોના એક કન્સોર્ટિયમે લંડનમાં વિજય માલ્યા સામેના નાદારીના આદેશને જાળવી રાખવાની કોર્ટ અપીલ જીતી લીધી છે.
આ મામલો બંધ થયેલી કિંગફિશર એરલાઇન્સ પાસેથી બાકી લોનની ચુકવણી માટે ચાલી રહેલી લાંબી કાનૂની લડાઈ સાથે જોડાયેલો છે. યુકે મિલ્કતોમાંથી બાકી લોન વસૂલ કરી શકે તે માટે ભારતીય બેંકોએ માલ્યાને નાદાર જાહેર કરવા માટે યુકે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જો કે, માલ્યાએ આ નાદારીના આદેશ સામે અપીલ કરી હતી. હવે બ્રિટિશ કોર્ટે ભારતીય બેંકોના પક્ષમાં નિર્ણય આપ્યો છે.
આનાથી માલ્યા સામેનો નાદારીનો આદેશ અકબંધ રહેશે. આ ચુકાદાને પગલે ભારતીય બેન્કોને માલ્યાની બ્રિટનમાં આવેલી સંપત્તિઓ જપ્ત કરવાની અને તેને વેચીને પોતાનું ઋણ વસૂલવાની મંજૂરી મળશે. ઉલ્લેખનીય છે કે, વિજય માલ્યાને છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપસર ભારતમાં ભાગેડુ અને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
બેન્કો વતી અદાલતમાં ઉપસ્થિત રહેલી કાનૂની પેઢીએ આ ચુકાદા બાદ જણાવ્યું હતું કે, આ ચુકાદો દર્શાવે છે કે, માલ્યાની અસ્ક્યામતો સામે બેન્કો પાસે કોઈ જામીનગીરી નહોતી, આમ નાદારીની અરજી યોગ્ય હતી.
કોર્ટે એમ પણ નોંધ્યું હતું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જપ્ત કરેલી અસ્ક્યામતો શરતી હતી અને અંગ્રેજી કાયદા પ્રમાણે તેનાથી દેવાંની ચૂકવણી નથી થઈ. બેન્કો માટે આ અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો છે.SS1MS