સિડનીમાં પોલીસે ભારતીય નાગરિકને ઠાર કર્યો
(એજન્સી)સિડની, Australiaના Sydneyમાં પોલીસે ગોળી મારી એક ભારતીય નાગરિકની હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. ભારતે માર્યા ગયેલા વ્યક્તિની ઓળખ તમિલનાડુના વતની મોહમ્મદ રહેમતુલ્લાહ સૈયદ અહેમદ તરીકે કરી હતી.
૩૨ વર્ષીય સૈયદ અહેમદ રેલવે સ્ટેશન પર સફાઈકર્મચારી તરીકે ફરજ બજાવતો હતો અને તેના પર ચપ્પા વડે હુમલો કરવા અને તપાસ એજન્સીના અધિકારીઓ પર હુમલો કરવાના પ્રયાસ કરવાનો આરોપ મૂકાયો હતો.
મૃત્યુ પામેલો ભારતીય નાગરિક બ્રિજિંગ વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયો હતો. ભારતે આ ઘટનાને ચોંકાવનારી બતાવી દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. ભારતે કહ્યું કે ઔપચારિક રીતે વિદેશ બાબતો અને વેપાર વિભાગ, ન્યૂ સાઉથ વેલ્સ કાર્યાલયની સાથે રાજ્ય પોલીસના અધિકારીઓ સમક્ષ આ મામલો ઊઠાવાયો છે. આ મામલે રિપોર્ટ પણ માગવામાં આવ્યો છે.
એક અહેવાલ અનુસાર અહેમદે ઓર્બન પોલીસ સ્ટેશન પહોંચતા પહેલા સિડનીના ઓર્બન સ્ટેશને એક ૨૮ વર્ષીય ક્લિનર પર કથિતરીતે હુમલો કર્યો હતો. ત્યારબાદ તેનો સામનો બે પોલીસ અધિકારીઓ સાથે થયો હતો. આ બંને પર પણ હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે ૩ ગોળીઓ ચલાવી હતી. તેમાંથી બે ગોળી છાતી પર વાગી. આ મામલે ન્યૂ સાઉથ વેલ્સ પોલીસના આસિસ્ટન્ટ કમિશનર સ્ટુઅર્થ સ્મિથે કહ્યું કે અધિકારીઓ પાસે થોડીક જ સેકન્ડ હતી અને અહેમદને ગોળી મારવા સિવાય બીજાે કોઈ વિકલ્પ જ નહોતો.