Western Times News

Gujarati News

૨૦૨૫-૨૬માં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી ઉભરતી ઈકોનોમી બનશે

(એજન્સી)નવી દિલ્હી,ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી ઉભરી રહી હોવાનો રિપોર્ટ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે આપ્યો છે. આઈએમએફએ ભારતના અર્થતંત્ર પર વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું છે કે, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી ઉભરતી ઈકોનોમી બનશે, જીડીપી ગ્રોથ ૬.૫ ટકા રહી શકે છે. આ સિવાય જીડીપી ગ્રોથ જાળવી રાખવા અમુક પગલાંઓ લેવા પણ સલાહ આપી છે. જેથી વિશ્વની ત્રીજી ટોચની ઈકોનોમી બનવાનો ટાર્ગેટ ઝડપથી હાંસલ કરી શકાય.

નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના ત્રીજા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ ૬.૨ ટકા નોંધાયો છે. જો કે, તે અપેક્ષિત ૬.૩ ટકાના જીડીપી ગ્રોથ સામે ઓછો છે. બીજા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ ૫.૬ ટકા નોંધાયો હતો. નાણાકીય વર્ષના અંતે જીડીપી ગ્રોથ ૬.૫ ટકા નોંધાવાનો અંદાજ છે.
આઈએમએફએ જીડીપી ગ્રોથ જાળવી રાખવા ભારતને અમુક સલાહ પણ આપી છે. જે અનુસાર, મજબૂત ખાનગી રોકાણ અને એફડીઆઈને પ્રોત્સાહન આપવુ પડશે. નીતિગત માળખું, વેપાર કરવામાં સરળતાં તેમજ ટેરિફ-નોન ટેરિફ કપાતના માધ્યમથી બિઝનેસને એકીકૃત કરવો પડશે. વૈશ્વિક પડકારો વચ્ચે ભારતનો જીડીપી ગ્રોથ ઝડપથી વધી રહ્યો છે.

આ વેગને જાળવી રાખવા વ્યાપારિક, આર્થિક અને નાણાકીય સ્થિરતા આવશ્યક છે. ભારતના ખાનગી વપરાશમાં મજબૂત વૃદ્ધિનો ટેકો મળી રહ્યો છે. જીડીપી ગ્રોથમાં નજીવો ઘટાડો નોંધાયો હોવા છતાં ભારતીય અર્થતંત્ર વિકસી રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ છ માસમાં વાર્ષિક છ ટકાના દરે ગ્રોથ નોંધાયો છે. મોંઘવારીનો દર આરબીઆઈના નિર્ધારિત ૨-૬ ટકાના સ્તરે સ્થિર રહ્યો છે. આઈએમએફનું નવુ મૂલ્યાંકન ભારતની આર્થિક તાકાતને રેખાંકિત કરે છે.

તેમજ લોંગટર્મ સમૃદ્ધિ સુનિશ્ચિત કરતાં ૨૦૪૭ સુધી દેશ વિકસિત રાષ્ટ્ર બનવાનો લક્ષ્ય હાંસલ કરશે. આઈએમએફએ ભારતીય અર્થવ્યવસ્થા અંગે રાહતભર્યા સમાચાર આપ્યા છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ઈકોરેપ રિપોર્ટમાં પણ સરકારની શ્રેષ્ઠ નીતિઓ અને ડીબીટી પ્રણાલીના લીધે ભારતમાં માથાદીઠ જીડીપી રૂ. ૨.૩૫ લાખ સુધી પહોંચવાનો અંદાજ છે. છેલ્લા બે નાણાકીય વર્ષમાં માથાદીઠ જીડીપી રૂ. ૪૦૦૦૦ વધ્યો છે. તેમજ જીડીપી ગ્રોથ અંદાજ પણ ચાલુ નાણાકીય વર્ષમાં ૬.૫ ટકા નોંધાવાનો લક્ષ્યાંક આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.