નવી દિલ્હી ખાતે ભારતના ચૂંટણી પંચ દ્વારા મીડીયા ઑફિસર્સનો એક દિવસીય તાલીમ સેમિનાર સંપન્ન

ગુજરાત સહિત 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશના મીડિયા નૉડલ સહિતના ઑફિસર્સને કમ્યુનિકેશનના વિવિધ પાસાઓ અંગે તાલીમ અપાઈ
ભારતના ચૂંટણી પંચ દ્વારા નવી દિલ્હી ખાતે ગુજરાત સહિત 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના મીડિયા નૉડલ ઑફિસર્સ, સોશિયલ મીડિયા ઑફિસર્સ અને જિલ્લાકક્ષાના જનસંપર્ક અધિકારીશ્રીઓને મીડિયાલક્ષી તાલીમ આપવામાં આવી હતી. તા.09 એપ્રિલ, 2025ના રોજ યોજાયેલા એકદિવસીય તાલીમ સત્રમાં માધ્યમોના વધતા જઈ રહેલા કાર્યવિસ્તારને અનુલક્ષીને ચૂંટણીતંત્ર સાથે સંલગ્ન અધિકારીશ્રીઓ વચ્ચે સુચારૂ સંકલન કેળવવા યોગ્ય કાર્યપદ્ધતિ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયાની સાથે સાથે ડિજીટલ અને સોશિયલ મીડિયાના વધતા જતા વ્યાપને ધ્યાને લઈ તેના હકારાત્મક ઉપયોગ માટે ભારતનું ચૂંટણી પંચ પ્રતિબદ્ધ છે.
લોકપ્રતિનિધિત્વ ધારો-1950 અને 1951, મતદાર નોંધણી નિયમો-1960, ચૂંટણી સંચાલન નિયમો-1961 ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા સમયાંતરે પ્રસિદ્ધ કરવામાં આવેલી કાર્યપદ્ધતિઓ, સૂચનાઓ અને માર્ગદર્શિકાઓને અનુલક્ષીને ઈફેક્ટિવ કમ્યુનિકેશન, જરૂરી માહિતીના અસરકારક પ્રચાર-પ્રસાર અને ખોટી કે ભ્રામક માહિતીને ફેલાતી અટકાવવા જેવા વિવિધ વિષયો અંગે આ સેમિનારમાં વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી.
મુક્ત, ન્યાયી અને પારદર્શી ચૂંટણીઓ યોજવા માટે ભારતના ચૂંટણી પંચ પ્રતિબદ્ધ છે ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમારે તેમના સંબોધનમાં ડિજીટલ માધ્યમોની વ્યાપક પહોંચ વચ્ચે ચૂંટણી પ્રક્રિયામાં મતદારોના વિશ્વાસને જાળવી રાખવા હકીકતલક્ષી, સમયસર અને પારદર્શી સંચારના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે તથ્યહિન અને ભ્રામક સમાચારો સામે મતદારોને સાચી અને આધારભૂત માહિતી મળી રહે તે માટે મીડિયા ઑફિસર્સની સક્રિય ભૂમિકા અંગે પણ વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગત તા.04 એપ્રિલ ખાતે IIIDEM ખાતે યોજાયેલી મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીઓની કૉન્ફરન્સમાં નક્કી થયા મુજબ મીડિયા ઑફિસર્સની તાલીમ ઉપરાંત પશ્ચિમ બંગાળના 2 જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ, 12 મતદાર નોંધણી અધિકારીશ્રીઓ અને 217 બુથ લેવલ ઑફિસર્સનો બે-દિવસીય રાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.