પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરનાર દરેક યુવાનને મદદ કરવા રાજ્ય સરકાર હંમેશાં તૈયાર છે: મુખ્યમંત્રી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/express-1-scaled-e1739597642549-1024x437.jpg)
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ દ્વારા અમદાવાદમાં ‘ગુજરાત સ્ટાર્ટ–અપ્સ : ફ્યુઅલિંગ ઇનોવેશન ઍન્ડ ઈકોનોમિક ગ્રોથ‘ વિષય પર આયોજિત કાર્યક્રમમાં પ્રોત્સાહક ઉપસ્થિતિ
- આજના યુવાનોએ નોકરીના બદલે પોતાનો બિઝનેસ શરૂ કરવાનો વિચાર કરવો જોઈએ, જેથી કરીને પોતાના બિઝનેસ થકી અનેક લોકોને રોજગારી મળશે
- છેલ્લાં કેટલાંય વર્ષોથી સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં ગુજરાત અગ્રેસરની ભૂમિકામાં
- સ્ટાર્ટ અપ એક એવી વસ્તુ છે, જેમાં દરેક સમસ્યાનું સોલ્યુશન મળશે
- ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે, જે પોતાનું દેવુ ઘટાડી રહ્યું છે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ દ્વારા અમદાવાદમાં ‘ગુજરાત સ્ટાર્ટ-અપ્સ : ફ્યુઅલિંગ ઇનોવેશન ઍન્ડ ઈકોનોમિક ગ્રોથ’ વિષય પર આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે સ્ટાર્ટ અપને લઈને કોઈપણ વિચાર આવે અને એ વિચારને જમીન પર ઉતારવાનો થાય તેમાં રાજ્ય સરકાર હરહંમેશ મદદરૂપ બની છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં ગુજરાત અગ્રેસરની ભૂમિકામાં રહ્યું છે.
યુવાનોને માર્ગદર્શન આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે જો કોઈ યુવાન પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરે, તો સરકાર હંમેશાં તેને મદદ કરવા માટે તૈયાર છે. આજના યુવાનોએ નોકરીના બદલે પોતાનો બિઝનેસ શરૂ કરવાનો વિચાર કરવો જોઈએ, જેથી કરીને પોતાના બિઝનેસ થકી અનેક લોકોને રોજગારી મળશે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
સ્ટાર્ટ અપ પર વાત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આજે સ્ટાર્ટઅપ ક્ષેત્રને લઈને રાજ્ય સરકાર દ્વારા ખૂબ મોટું આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્ટાર્ટ અપ એક એવી વસ્તુ છે જેમાં દરેક સમસ્યાનું સોલ્યુશન મળી રહે છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાત ફાયનાન્શિયલ મેનેજમેન્ટમાં કોવિડ પછી નંબર વન રહ્યું છે. આજે ભારતમાં ગુજરાત એક એવું રાજ્ય છે જે પોતાનું દેવુ ઘટાડી રહ્યું છે અને ફાયનાન્શિયલ પ્લાનિંગ સાથે સતત આગળ વધી રહ્યું છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાત લીડ લેશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે આજે મીડિયામાં સરકારનું જે પણ નેગેટિવ આવે છે, આ દરેક નેગેટિવને અમે પોઝિટિવ અપ્રોચ સાથે લઈએ છીએ અને તેના ઉકેલ માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે. આ સાથે મીડિયામાં આવતા દરેક ન્યૂઝની રિયાલિટી ચેક કરવાની પણ સૌને અપીલ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના અગ્રસચિવ સુશ્રી મોના ખંધાર, બાપુનગરના ધારાસભ્ય શ્રી દિનેશ કુશવાહ, ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતના રેસિડેન્ટ એડિટર લીના મિશ્રા, સિનિયર જનરલ મેનેજર હરેશ ભગદેવ, બ્યુરો ચીફ પરિમલ ડાભી, ડેપ્યુટી જનરલ મેનેજર સૌમ્ય કુમાર અને યુવા સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.