કૃષિ, શિક્ષણ અને રોજગારલક્ષી બજેટ-યુવાનોને દર મહિને ૫૦૦૦ રૂપિયાનું ભથ્થું
(એજન્સી)નવી દિલ્હી, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યું છે. નિર્મલા સીતારમણે બજેટમાં અનેક મહત્ત્વની જાહેરાતો કરી છે. ઉલ્લેખનીય છે કે બજેટ રજૂ કરતા દરમિયાન નાણામંત્રીએ કહ્યું હતું કે સરકારનું ધ્યાન ‘ગરીબો, મહિલાઓ, ખેડૂતો અને યુવાનો પર છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે આવકવેરાના સ્લેબમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. હવે સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ ૫૦ હજાર રૂપિયાથી વધારીને ૭૫ હજાર રૂપિયા કરવામાં આવી છે. આ સિસ્ટમમાં ૩ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં. ૩ થી ૭ લાખ રૂપિયાની આવક પર ૫ ટકા ટેક્સ ચૂકવવો પડશે.
જો આવક ૭ થી ૧૦ લાખ રૂપિયા હોય તો ૧૦ ટકાના દરે ઈન્કમ ટેક્સ વસૂલવામાં આવશે. ૧૦ થી ૧૨ લાખની કરપાત્ર આવક પર ૧૫ ટકાના દરે ટેક્સ વસૂલવામાં આવશે. તેમજ ૧૨ થી ૧૫ લાખની કરપાત્ર આવક પર ૨૦ ટકા ટેક્સ ભરવો પડશે. આ ઉપરાંત ૧૫ લાખથી વધુની કરપાત્ર આવક પર ૩૦ ટકાના દરે ટેક્સ વસૂલવામાં આવશે.
ભારતની આર્થિક પ્રગતિ સાચા માર્ગ પર છે. ભારતનો ફુગાવો નીચો અને સ્થિર છે. ભારતમાં ફુગાવાનો દર ૪ ટકાના લક્ષ્ય તરફ છે. ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની સરખામણીમાં ઘણી સારી સ્થિતિમાં છે.
સરકારનું ધ્યાન ગરીબો, મહિલાઓ, ખેડૂતો અને યુવાનો પર છે તેમજ રોજગાર સર્જનની તકો પર પણ ધ્યાન કેન્દ્રિત છે. રોજગારીની તકો માટે ૫ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. વચગાળાના બજેટમાં અમે વિકસિત ભારત માટે રોડમેપનું વચન આપ્યું હતું. સરકારે રોજગાર માટે ૨ લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે ‘સરકાર આગામી પાંચ વર્ષમાં ટોપ-૫૦૦ કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશિપની તક આપશે.
આ ઇન્ટર્નશિપ ૧૨ મહિના માટે હશે. આમાં, યુવાનોને વ્યવસાયના વાસ્તવિક વાતાવરણને જાણવાની અને વિવિધ વ્યવસાયોના પડકારોને જાણવાની તક મળશે.
આ અંતર્ગત યુવાનોને દર મહિને ૫૦૦૦ રૂપિયાનું ભથ્થું પણ આપવામાં આવશે. આટલું જ નહીં, તેમને છ હજાર રૂપિયા એકમુશ્ત મદદ તરીકે આપવામાં આવશે. કંપનીઓએ તેમની કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે તાલીમ ખર્ચ અને ૧૦ ટકા ઇન્ટર્નશિપ ખર્ચ સહન કરવો પડશે.
નાણામંત્રીએ દેશના પૂર્વના રાજ્યોના વિકાસ માટે પૂર્વોદય યોજનાની જાહેરાત કરી છે. કેન્દ્રએ બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશના વિકાસ માટે પૂર્વોદય યોજનાની જાહેરાત કરી છે. આ અંતર્ગત માનવ સંસાધન વિકાસ અને મૂળભૂત વિકાસ પર ધ્યાન આપવામાં આવશે. આ યોજનામાં બિહાર માટે ઘણી ભેટની જાહેરાત કરાઈ છે.
અમૃતસર-કોલકાતા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર હેઠળ ગયામાં એક ઔદ્યોગિક કેન્દ્ર બનાવવામાં આવશે. સાંસ્કૃતિક કેન્દ્રોને આધુનિક આર્થિક કેન્દ્રો તરીકે વિકસાવવામાં આવશે. આ મોડલનું નામ હશે ‘વિકાસ ભી વિરાસત ભી’. ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે આ વખતે બજેટમાં ૧.૫૨ લાખ કરોડની મસમોટી જાહેરાત કરવામાં આવી છે. આ ફંડની મદદથી કૃષિ ક્ષેત્રને બને તેટલો ફાયદો પહોંચાડવાનો પ્રયાસ કરાશે. ખેતીની ઉત્પાદકતા વધારવા માટે પગલાં લેવામાં આવશે. વધારે ઉપજ આપતા પાકની જાતો (પ્રકાર)નો ઉપયોગ કરવામાં આવશે.
સંશોધનને પ્રોત્સાહ આપવામાં આવશે. સરકાર કુદરતી ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરશે. પાકના ઉત્પાદન, સંગ્રહ અને માર્કેટિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવશે. શિક્ષણ અને કૌશલ્ય માટે રૂ. ૧.૪૮ લાખનો ખર્ચ થશે. શાકભાજીના ઉત્પાદન અને સપ્લાય ચેઇન માટે ક્લસ્ટર બનાવવામાં આવશે. ૪૦૦ જિલ્લામાં પાકનો સર્વે કરવામાં આવશે તેમજ ૩૨ પાકોની ૧૦૯ નવી જાતો રજૂ કરવામાં આવશે.
નાણામંત્રીએ એમએસએમઈ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ ૧૦૦ કરોડ રૂપિયા સુધીની લોન મળશે. પીએસયુ અને બેંકોને આંતરિક આકારણી બાદ એમએસએમઈને લોન આપવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત મુદ્રા લોનની મર્યાદા ૧૦ લાખ કરોડ રૂપિયાથી વધારીને ૨૦ લાખ કરોડ રૂપિયા કરવામાં આવી છે. એમએસએમઈને મદદ કરવા સીઈડબી શાખાઓ વધારશે.
નાણામંત્રીએ ઁસ્ અર્બન હાઉસિંગ પ્લાન માટે ૧૦ લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે રેન્ટલ હાઉસિંગને પ્રોત્સાહન અને રેગ્યુલેશન કરવા માટે નિયમો બનાવવામાં આવશે. સ્ટેમ્પ ડ્યુટી ઘટાડનારા રાજ્યોને પ્રોત્સાહન આપવામાં આવશે. એનર્જી ટ્રાંન્જિશન માટે નવી નીતિ લાવવામાં આવશે. એક કરોડ ઘરો માટે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરવામાં આવી છે.
મહિલાઓના નામની નોંધણી પર સ્ટેમ્પ ડ્યુટીમાં રાહતનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. નાના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ખાનગી ક્ષેત્રના સહયોગથી બનાવવામાં આવશે. મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે ૩ લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની ૧૦૦ થી વધુ શાખાઓ ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં સ્થાપિત કરવામાં આવશે.
રાષ્ટ્રની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલાવરમ સિંચાઈ યોજના પૂર્ણ કરવામાં આવશે. વિશાખાપટ્ટનમ-ચેન્નઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં કોપર્થી વિસ્તાર અને હૈદરાબાદ-બેંગલુરુ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં ઓરવાકલ વિસ્તારના વિકાસ માટે ફંડ આપવામાં આવશે.
કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫ માં દર વર્ષે ૨૫,૦૦૦ વિદ્યાર્થીઓની મદદ માટે મોડેલ સ્કીલ લોન યોજનામાં સુધારાનો પ્રસ્તાવ મૂકાયો છે. ઘરેલુ સંસ્થાનોમાં હાયર એજ્યુકેશન માટે ૧૦ લાખ રૂપિયા સુધીની લોન માટે ઈ વાઉચર દર વર્ષે ૧ લાખ વિદ્યાર્થીઓને સીધી લોન રકમના ૩%ની વાર્ષિક વ્યાજ છૂટ માટે અપાશે. સરકારે આ વખતે તેની નવ પ્રાથમિકતા નક્કી કરી છે જેમાંથી એક રોજગાર અને કૌશલ્ય વિકાસ છે. તે હેઠળ પહેલીવાર નોકરી કરનારાઓને મોટી મદદ કરાશે.
પ્રથમ વખત ઔપચારિક ક્ષેત્રમાં નોકરી શરૂ કરનારાઓને એક મહિનાનો પગાર આપવામાં આવશે. આ પગાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ત્રણ હપ્તામાં આપવામાં આવશે. તેની મહત્તમ રકમ ૧૫ હજાર રૂપિયા હશે. ઈપીએફઓમાં નોંધાયેલા લોકોને આ મદદ મળશે. તેની એલિજિબિલિટી મર્યાદા ૧ લાખ રૂપિયા પ્રતિ માસ હશે. તેનાથી ૨.૧૦ કરોડ યુવાનોને ફાયદો થશે.
બિહારના વિકાસ માટે વિવિધ સહાય પ્રદાન કરવામાં આવશે. આંધ્રપ્રદેશ માટે જીવાદોરી સમાન પોલ્લાવરમ ઈરિગેશન પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. જેનો સીધો લાભ ખેડૂતોને મળશે. તેના આર્થિક વિકાસ માટે મૂડી સહાય પણ પ્રદાન કરશે. બજેટમાં આંધ્ર પ્રદેશના સીએમ નાયડુને ‘ભેટ’, રાજધાની અમરાવતીના વિકાસ માટે રૂ. ૧૫૦૦૦ કરોડ ફાળવાયા.