Western Times News

Gujarati News

ભારત સરકાર શેખ હસીનાને પરત મોકલવાનું વિચારી રહી નથી

File Photo

(એજન્સી)નવી દિલ્હી, શેખ હસીના હાલ ભારતમાં છે. ૫ આૅગસ્ટે તખ્તાપલટ બાદ તે વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર આવ્યા હતા અને ત્યારથી તે દિલ્હીમાં કોઈ જગ્યાએ છે. મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારે શેખ હસીનાને સોંપવાની માંગ કરી છે.

ગયા અઠવાડિયે જ બાંગ્લાદેશ તરફથી એક રાજદ્વારી નોંધ આવી હતી જેમાં શેખ હસીનાને મોકલવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ ભારત સરકારે તેનો જવાબ આપ્યો નથી. દરમિયાન સરકારી સૂત્રોનું કહેવું છે કે ભારત સરકાર શેખ હસીનાને પરત મોકલવાનું વિચારી રહી નથી. એટલું જ નહીં, બાંગ્લાદેશ સરકાર દ્વારા દબાણ લાવવાના પ્રયાસો પછી પણ આવો કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં.

સૌપ્રથમ, બાંગ્લાદેશ સાથેની ભારતની પ્રત્યાર્પણ સંધિ કોઈપણ રાજકીય વ્યક્તિત્વને પરત કરવાની જોગવાઈ કરતી નથી. આ સિવાય ભારત ભૌગોલિક રાજકીય કારણોસર પણ આવું કરવા માંગતું નથી. ભારતને લાગે છે કે જો પરિસ્થિતિ બદલાશે તો શેખ હસીના સત્તામાં આવી શકે છે અને તે સ્થિતિમાં તે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ હશે.

તેમજ, બાંગ્લાદેશની વચગાળાની સરકાર પાસે પણ રાજદ્વારી નોંધ મોકલવા સિવાય ભારત પર દબાણ લાવવાનો કોઈ વિકલ્પ નથી. શેખ હસીના ભારતમાં સમય વિતાવી ચૂક્યા છે. તેમનો પુત્ર અને પુત્રી પણ ભારતમાં રહેતા હતા. આવી સ્થિતિમાં બાંગ્લાદેશ છોડ્યા પછી તેમના માટે સૌથી સરળ રસ્તો ભારત આવવાનો હતો.

શેખ હસીના માટે ભારતમાંથી બાંગ્લાદેશના રાજકારણને પ્રભાવિત કરવાનું પણ આસાન બની જશે. ભારત શેખ હસીનાના મહત્ત્વને સમજે છે, જેમણે પોતાના ૧૫ વર્ષના શાસન દરમિયાન બાંગ્લાદેશમાં કટ્ટરવાદી દળો પર લગામ લગાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.