ભારત સરકારના આદેશ બાદ ‘X’ એ ૮૦૦૦ એકાઉન્ટ બ્લોક કરવાનું શરૂ કર્યું

પાકિસ્તાન સાથે ચાલી રહેલા સરહદી તણાવ વચ્ચે, ભારત સરકારે ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સામે ચેતવણી જારી કરી છે
નવી દિલ્હી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ એ ભારતમાં આઠ હજાર એકાઉન્ટ્સને બ્લોક કરવાનું શરૂ કર્યું. ‘X’ એ જણાવ્યું હતું કે, ‘ભારત સરકાર તરફથી ભારતમાં ૮,૦૦૦થી વધુ એકાઉન્ટ્સને બ્લોક કરવાનો આદેશ મળ્યો છે.’ નોંધનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. પાકિસ્તાન સતત ફેક સમાચાર દ્વારા પ્રચાર ફેલાવી રહ્યું છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ના જણાવ્યાનુસાર, આ આદેશ ભારતમાં આંતરરાષ્ટ્રીય સમાચાર સંગઠનો અને અગ્રણી ‘X’ યુઝર્સના એકાઉન્ટ્સના ઍક્સેસને અવરોધિત કરવાનો પ્રયાસ કરે છે. મોટાભાગના કિસ્સાઓમાં ભારત સરકારે એ સ્પષ્ટ કર્યું નથી કે એકાઉન્ટમાંથી કઈ પોસ્ટે ભારતમાં સ્થાનિક કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે. મોટી સંખ્યામાં ખાતાઓને જોતાં અમને એકાઉન્ટ્સ બ્લોક કરવા માટે કોઈ પુરાવા કે વાજબીપણું મળ્યું નથી.
’પાકિસ્તાન સાથે ચાલી રહેલા સરહદી તણાવ વચ્ચે, ભારત સરકારે ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સામે ચેતવણી જારી કરી છે. સરકારે કહ્યું છે કે, ‘લોકોએ સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવવાનું ટાળવું જોઈએ અને કોઈપણ દાવો શેર કરતા પહેલા, તેમણે સત્તાવાર સ્ત્રોતોમાંથી તેની પુષ્ટિ કરવી જોઈએ.’ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે, ત્યારે પાકિસ્તાને ગુરુવારે (આઠમી મે, ૨૦૨૫) જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં સેના સ્ટેશનો પર મિસાઈલ-ડ્રોન વડે હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યાે.
જેમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તમામ પાકિસ્તાની મિસાઈલ અને ડ્રોનને આકાશ પર જ તોડી પાડવામાં આવ્યા હતા. જો કે આ હુમલામાં કોઈ પણ પ્રકારે ભારતને નુકસાન ન થયું હોવાનું સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. ભારત પોતાની સાર્વભૌમત્વની રક્ષા કરવા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે તેવું જણાવવામાં આવ્યું હતું.