ભારતીય બંધકોને મ્યાનમારમાં સાયબર ક્રાઈમ કરવા માટે મજબૂર કરાઈ રહ્યાં છે

File
મ્યાનમારના મ્યાવાડી પ્રાંતમાં એક ગૃપે ૩૦૦ ભારતીયોને બંધક બનાવ્યા
(એજન્સી)નવી દિલ્હી, મ્યાનમારના મ્યાવાડી પ્રાંતમાં એક ગૃપે ૩૦૦થી વધુ ભારતીયોને બંધક બનાવીને રાખ્યા છે અને તેમને સાઈબર ક્રાઈમ કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. આ લોકોને મ્યામાર સરકારનો સેન્ટ્રલ કંટ્રોલ નથી એવા ક્ષેત્રમાં બંધક બનાવીને રાખવામાં આવ્યા છે. આ વિસ્તાર પારંપરિક રીતે આર્મ્ડ ગૃપના નિયંત્રણમાં છે.
આ વિસ્તારમાં ભારતીયો ઉપરાંત અન્ય દેશોના લોકોને પણ બંધક બનાવીને રાખવામાં આવ્યા છે. બંધક બનાવનારા ગૃપ મ્યાવાડીના છે.
હકીકતમાં જ્યારે એક તામિલ યુવકનો એસઓએસ વીડિયો વાઈરલ થયો ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ વીડિયોમાં તે યુવકે તમિલનાડુ અને ભારત સરકાર પાસે મદદની અપીલ કરી હતી. તેણે વીડિયોમાં પોતાની આપવીતી જણાવી હતી.
તેણે કહ્યું હતું કે, ‘અમને દિવસમાં ૧૫ કલાક સુધી કામ કરવા માટે મજબૂર કરવામાં આવે છે અને જાે અમે ના પાડીએ તો અમને માર મારવામાં આવે છે તથા ઈલેક્ટ્રિક શોક આપવામાં આવે છે. અમારી પાસે બળજબરીપૂર્વક સાઈબરક્રાઈમ કરાવવામાં આવી રહ્યો છે.
મળતી માહિતી પ્રમાણે મ્યાવાડીના આ ગૃપે આશરે ૩૦૦થી વધુ ભારતીયોને થાઈલેન્ડમાં જાેબ આપવાની લાલચ આપીને મ્યાનમારમાં બંધક બનાવીને રાખ્યા છે. તેમાં તમિલનાડુના આશરે ૬૦ લોકો છે. આ ઉપરાંત અન્ય દેશના લોકો પણ આ રેકેટનો ભોગ બની રહ્યા છે.
આ અંગે કરાઈકલમેડુના એક માછીમારે પુડુચેરીમાં કરાઈકલના ડીસીને પોતાના પુત્રને બચાવવાની અપીલ કરી છે. તેનો પુત્ર પણ ભારતીય બંધકોમાંથી એક છે. માછીમારના બીજા પુત્રે જણાવ્યું હતું કે, તેનો મોટો ભાઈ દુબઈમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે કામ કરતો હતો.
આ વર્ષની શરૂઆતમાં તેને પ્રમોશન આપ્યું હતું અને કહ્યું હતું કે, તેઓ તેને પોતાની થાઈલેન્ડની ઓફિસે લઈ ગયા હતા. થાઈલેન્ડથી તેને ગેર કાયદેસર રીતે મ્યાનમાર લઈ જઈને બંધક બનાવવામાં આવ્યો હતો. આ વર્ષે ૫ જુલાઈના રોજ ભારતીય દૂતાવાસે નોકરીના નામે છેતરતા અપરાધીઓથી દૂર રહેવા માટે એક એડવાઈઝરી પણ જારી કરી હતી.
મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધી આ મામલામાં ૩૦ થી વધુ ભારતીયોને બચાવવામાં આવ્યા છે અને બાકીઓને બચાવવા માટે પ્રયાસ ચાલુ છે.