આતંકવાદની પાડોશી દેશની નીતિ ક્યારેય સફળ થશે નહીંઃ જયશંકર
(એજન્સી)નવી દિલ્હી, ભારતે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે સરહદ પાર આતંકવાદની પાડોશી દેશની નીતિ ક્યારેય સફળ થશે નહીં અને તેના કૃત્યોના નિશ્ચિત રીતે પરિણામ મળશે.
વિદેશ મંત્રી જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૭૯માં સત્રને સંબોધિત કરતા કહ્યું કે અનેક દેશ પોતાના નિયંત્રણથી અલગ પરિસ્થિતિના કારણે પાછળ છૂટી જાય છે પરંતુ કેટલાક દેશ જાણી જોઈને એવા નિર્ણય લે છે કે જેના પરિણામ વિનાશકારી આવે છે. તેનું સૌથી મોટું ઉદાહરણ આપણો પાડોશી દેશ પાકિસ્તાન છે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાજ શરીફ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના સંબોધન દરમિયાન જમ્મુ કાશ્મીરનો મુદ્દા ઉઠાવવાની અને પાકિસ્તાની રાજનયિક તરફથી જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કરાયાના એક દિવસ બાદ જયશંકરે તેમના પર આકરો પ્રહાર કરતા મહાસભામાં કહ્યું કે ઈસ્લામાબાદના ખરાબ કર્મોની અસર દેશો, ખાસ કરીને પાડોશ ઉપર પણ પડે છે. તેમણે કહ્યું કે જ્યારે આ રાજનીતિ પોતાના લોકોમાં આ પ્રકારની કટ્ટરતા પેદા કરે છે તો તેની જીડીપીને ફક્ત કટ્ટરપંથ અને આતંકવાદના રૂપમાં તેના નિકાસના સંદર્ભમાં જ માપી શકાય છે.
જયશંકરે પાકિસ્તાનની આકરી ટીકા કરતા કહ્યું કે આજે અમે જોઈ રહ્યા છીએ કે બીજા પર જે મુસીબત લાવવાની કોશિશ તેણે (પાકિસ્તાને) કરી, તે તેમના પોતાના સમાજને ગળી રહી છે. તે દુનિયાને દોષ આપી શકે નહીં. આ ફક્ત કર્મ છે. તેમણે કહ્યું કે બીજાની ભૂમિ પર કબજો જમાવનારા એક નિષ્ફળ રાષ્ટ્રને ઉજાગર કરવો જોઈએ અને તેનો મુકાબલો કરવો જોઈએ.
જયશંકરે કહ્યું કે, અમે કાલે આ મંચ પર કેટલીક અજીબોગરીબ વાતો સાંભળી. આથી હું ભારતની સ્થિતિને સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરવા માંગુ છું. પાકિસ્તાનની સરહદ પાર આતંકવાદની નીતિ ક્યારેય સફળ થશે નહીં અને તેના સજાથી બચવાની કોઈ આશા નથી. તેના વિપરિત કૃત્યોના નિશ્ચિત રીતે પરિણામ આવશે.