ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર ભારતીય અધિકારીની પ્રતિક્રિયા

નવી દિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એપલના આઈફોનને ભારતમાં નહી પરંતુ અમેરિકા બનાવવા જોઈએ તેવું નિવેદન આપ્યું હતું. જેની બાદ ભારતે ટ્રમ્પના નિવેદન પર યોગ્ય પ્રતિક્રિયા આપી છે.
આ અંગે ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ભારત હવે વૈશ્વિક મોબાઇલ ઉત્પાદન માટે એક મજબૂત કેન્દ્ર બની ગયું છે અને કંપનીઓ અહીં સ્પર્ધાત્મકતાના આધારે નિર્ણયો લે છે. કંપની કોઈ રાજકીય નિવેદનના આધારે નિર્ણય નથી લેતી.
ટ્રમ્પના નિવેદન પર સીધો જવાબ માંગવામાં આવ્યો ત્યારે, અધિકારીએ કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યાે હતો. જોકે, તેમણે ઉમેર્યું કે ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ ભારત એક વિશ્વસનીય ઉત્પાદન ભાગીદાર બન્યું છે અને એપલ જેવી કંપનીઓ વૈશ્વિક સ્પર્ધાને ધ્યાનમાં રાખીને નિર્ણયો લે છે.
જોકે, સમાચાર એજન્સીના અહેવાલ મુજબ ટ્રમ્પની ટિપ્પણી બાદ ભારત સરકારે એપલના અધિકારીઓનો સંપર્ક કર્યાે હતો. એપલે ખાતરી આપી હતી કે ભારતમાં તેમની ઉત્પાદન અને રોકાણ યોજનાઓ અકબંધ રહેશે અને ભારત તેમની વૈશ્વિક સપ્લાય ચેઇનનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે.
ઉલ્લેખનીય છે કે, માર્ચ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ સુધીના ૧૨ મહિનામાં એપલે ભારતમાં રૂપિયા ૧.૮૮ લાખ કરોડના મૂલ્યના આઈફોનનું ઉત્પાદન કર્યું. જે ગત વર્ષની સરખામણીમાં ૬૦ ટકાનો વધારો દર્શાવે છે.
આ સમયગાળા દરમિયાન એપલે ભારતમાંથી રૂપિયા ૧.૪૯ લાખ કરોડના મૂલ્યના આઈફોન નિકાસ કર્યા. એ જ સમયે વિશ્વમાં દર ૫માંથી એક આઇફોન હવે ભારતમાં બનાવવામાં આવી રહ્યો છે.
આ કામ મુખ્યત્વે તાઇવાની કંપનીઓ ફોક્સકોન અને પેગાટ્રોન દ્વારા કરવામાં આવે છે. તાજેતરમાં પેગાટ્રોનના ઇન્ડિયા યુનિટને હસ્તગત કરનાર ટાટા ઇલેક્ટ્રોનિક્સ પણ તેની ક્ષમતામાં વધારો કરી રહી છે.SS1MS