ભારતીય મુસાફરો કુવૈત એરપોર્ટ પર ૧૩ કલાક સુધી ખોરાક, પાણી વગર રહ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/12/Kuwait-1024x576.webp)
નવી દિલ્હી, મુંબઈથી માન્ચેસ્ટર જઈ રહેલા ભારતીય મુસાફરો લગભગ ૧૩ કલાકથી કુવૈત એરપોર્ટ પર ફસાઈ ગયા હતા. મુસાફરોએ ભોજન કે મદદ ન મળવાની ફરિયાદ કરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં ગલ્ફ એરના મુસાફરોને એરપોર્ટ અધિકારીઓ સાથે દલીલ કરતા જોઈ શકાય છે. જો કે ગલ્ફ એર દ્વારા હજુ સુધી આ મામલે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
એક એક્સ-પોસ્ટમાં, મુસાફરે આરોપ લગાવ્યો હતો કે તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે અને એરલાઈન કથિત રીતે માત્ર ઈયુ, યુકે અને યુએસના મુસાફરોને સમાવી રહી છે.મુસાફરોએ જણાવ્યું હતું કે તેમની ફ્લાઈટે કુવૈતમાં ઉતરાણ કરતા પહેલા યુ-ટર્ન લીધો હતો. લેન્ડિંગની ૨૦ મિનિટ પહેલાં ફ્લાઇટ ડાયવર્ઝનની જાહેરાત કરવામાં આવી હતી અને એ સાથે જ એન્જિનમાં આગ લાગવાની જાણ પણ કરાઈ હતી.
આરઝૂ સિંઘ નામના પેસેન્જરે એનડીટીવીને જણાવ્યું કે તેણે લાઉન્જમાં પ્રવેશ મેળવવાની માંગ કરી હતી, પરંતુ એરપોર્ટ અધિકારીઓએ તેને અટકાવ્યો હતો. તેણે કહ્યું હતું કે ૧૩ કલાકથી વધુ સમય થઈ ગયો છે. લગભગ ૬૦ મુસાફરો ફસાયા છે. અમે શક્ય હોય તો લાઉન્જનો ઉપયોગ કરવાનું કહ્યું, પરંતુ મંજૂરી અપાઈ ન હતી.
મુસાફરે જણાવ્યું હતું કે ફ્લાઇટ મુંબઈથી આવ્યા બાદ બહેરીનથી માન્ચેસ્ટર જઈ રહી હતી અને લગભગ બે કલાક સુધી ઉડતી રહી. પરંતુ અચાનક બધાને ઈમરજન્સી લેન્ડિંગની તૈયારી કરવા કહેવામાં આવ્યું હતું.
સિંઘે કહ્યું કે તેણે જોયું છે કે એન્જિનમાં આગ લાગી છે અને ધુમાડો પણ નીકળી રહ્યો છે. ઉતર્યા પછી, અમે તેમને ઘણી વાર કહ્યું કે ઓછામાં ઓછું અમને બેસવા માટે જગ્યા આપો. અહીં બધા જમીન પર બેઠા છે.SS1MS