અમેરિકામાં નોકરીનું સપનું જોતાં ભારતીય લોકોને મળશે લાભ
વોશિંગ્ટન, એચ-૧બી વિઝા મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે અમેરિકાનો ‘ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી’ આ પ્રોગ્રામના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યા છે. નવા ફેરફાર ૧૭ જાન્યુઆરીથી લાગુ થશે. ‘એચ-૧બી મોર્ડેનાઈઝેશન ફાઈનલ રૂલ’ના નામથી થનારા ફેરફારથી અમેરિકામાં સ્કિલ્ડ પ્રોફેશનલ્સની નિમણૂક સરળ બનશે.
આ ફેરફારોના કારણે કંપનીઓ સરળતા અને ઝડપથી પોતાની જરૂરિયાત અનુસાર, વિદેશી સ્કિલ્ડ પ્રોફેશનલ્સની નિમણૂક કરી શકશે. તેમજ વિઝા પ્રક્રિયા સરળ બનશે.
એચ-૧બી વિઝા પ્રોગ્રામથી અમેરિકી કંપનીઓ સ્પેશિયલાઈઝ્ડ ફિલ્ડમાં વિદેશી કમર્ચારીઓને નોકરી સાથે વિઝો સ્પોન્સર કરે છે. નવા નિયમો બાદ એચ-૧બી વિઝા માટે અરજી કરતી કંપનીઓએ હવે ફોર્મ i129નો ઉપયોગ કરવો પડશે.
વિઝા માટે અરજી કરતી વખતે સાબિત કરવું પડશે કે વિદેશી કામદારને જે નોકરી માટે રાખવામાં આવી રહ્યો છે, તેના માટે તેની પાસે જરૂરી ડિગ્રી છે. એનજીઓ અને સરકારી રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ્સને એચ-૧બી વિઝાની વાર્ષિક મર્યાદામાંથી મુક્તિ આપવામાં આવશે. તેના માટે યોગ્યતાના માપદંડ પણ અપડેટ કરવામાં આવ્યા છે.
વિઝા પ્રોગ્રામમાં ફેરફારનો સૌથી મોટો ફાયદો ભારતીયો સહિત વિદેશી વિદ્યાર્થીઓને મળશે.
એફ-૧ વિઝા પર અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને હવે વિઝા મેળવવામાં વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં. જો કોઈ વ્યક્તિએ પહેલાથી જ એચ-૧બી વિઝા મેળવ્યો હોય અને તે તેને ઝડપથી રિન્યૂ કરાવી શકશે. યુએસસીઆઈએસ તેની અરજીને ઝડપથી મંજૂર કરશે.
નવા નિયમો હેઠળ, કંપનીઓએ એચ-૧બી વિઝાના તમામ રેગ્યુલેશન્સનું પાલન કરવુ પડશે. જેની યુએસસીઆઈએસ દ્વારા તપાસ થઈ શકે છે. અમેરિકામાં દર વર્ષે માત્ર ૬૫ હજાર એચ-૧બી વિઝા આપવામાં આવે છે. આ સિવાય અમેરિકન સંસ્થાઓમાંથી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ૨૦ હજાર વિઝા ઉપલબ્ધ છે. એચ-૧બી વિઝામાં આ ફેરફારો એવા સમયે કરવામાં આવી રહ્યા છે જ્યારે તેને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે.