બદલતા ભારતની બદલાતી તસ્વીર ભારતીય રેલવેના સ્વરૂપમાં હવે દેખાવા લાગી છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/11/Kalupur-1024x576.jpg)
અમદાવાદ, વિવિધતાથી સભર આપણો દેશ અનન્ય છે. આપણે ત્યાં, વસ્તુઓને અલગ દ્રષ્ટિકોણથી જોવાની એક સુદિર્ધ પરંપરા રહી છે. આપણા માટે ગંગા અને ગોદાવરી માત્ર નદીઓના નામ નથી, તે જીવન આપનારી માતાના પર્યાય છે. સંગીત એ માત્ર કાનને આનંદ આપવાનું સાધન નથી, તે સૂરોની સાધના કરવાનું માધ્યમ છે.
એવી જ રીતે આપણે દેશવાસીઓ માટે ભારતીય રેલવે માત્ર એકાદ એન્જિન અને દોઢ ડઝન કોચથી સજ્જ ટ્રેન નથી, પોતાના ઘર પરિવારથી દૂર રહીને રોજીરોટી કમાતા આપણા શ્રમિકો, ખેડૂતો, સૈનિકો અને કરોડો નાગરિકોના પરિવારો અને પ્રિયજનો સાથેના ભાવનાત્મક સંબંધોને જોડતો એક સેતુ છે. પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ પથરાયેલા ટ્રેક પર માત્ર આપણી ટ્રેનો જ દોડતી નથી – સંબંધોની લાગણીઓ પણ તેમાંથી પસાર થાય છે. વિરાટ ભારત દેશની વિવિધતાઓને સમાવતી, ભારતીય રેલવે ભારત સરકારની પ્રતિનિધિ પણ છે અને દેશવાસીઓની આકાંક્ષાઓનું પ્રતીક પણ!
આ આકાંક્ષાઓની અગ્નિ પરીક્ષા દર વર્ષે તહેવારોની મોસમમાં આવે છે, જ્યારે પરિવારથી દૂર રહીને જીવનનિર્વાહ કરતા કરોડો દેશવાસીઓ પોતાના ઘરે પાછા ફરે છે. મહાનગરોની અજ્ઞાતતાથી સભર વર્ષભરની તનતોડ મહેનત પછી, આ મહેનતુ લોકો પોતાના પ્રિયજનોને મળવાની આશા સાથે એક વિશાળ સમૂહમાં નીકળે છે રેલવેની મુસાફરી પર. સંખ્યા એટલી વધારે, કે જો તમે એ પરિસ્થિતીમાં ક્યારેય કામ ન કર્યું હોય, તો જોતાં જ હાથ-પગ થીજી જાય. અને, જો વાત તહેવાર અને વિશેષ દિવસોમાં ઉમટી પડતા માનવ-પ્રવાહની હોય, ત્યારે માત્ર રેલવે-સંચાલન સુધીની વાત નથી હોતી.
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/11/JayaVerma.jpg)
તમારે રેલવે સ્ટેશન પર આવેલા લોકોને સુગમતાથી રોકાવાની, ટિકિટ ખરીદવાની, નાસ્તાપાણી વગેરેની પૂરતી વ્યવસ્થા કરવાની હોય છે. આના માટે રેલવે અધિકારી-કર્મચારીઓ સિવાય સ્વૈચ્છિક સંસ્થાઓનો પણ સહયોગ મળે છે.
ભારતીય રેલવે પ્રશાસનને કરોડોની સંખ્યામાં આવેલા યાત્રીઓને પોતાના મુકામ સુધી પહોંચાડવાનો કેટલાયે દસકાઓનો અનુભવ છે, પરંતુ હવે તમામ પ્રયાસ આ અનુભવને ક્રમશઃ સુખદ બનાવવાના છે.
જો વિદેશી મહેમાનો સાથે ક્યારેક આ વિષય પર ચર્ચા થાય, તો તેઓ આશ્ચર્ય પામી જાય છે. વાહનવ્યવહાર વ્યવસ્થાપનની માહિતી રાખનારા કેટલાય સાથીઓ, આ સાંભળીને કે તહેવારો દરમિયાન રેલવેએ એક લાખ સિત્તેર હજાર ટ્રેનોના ફેરા સિવાય 7,700 વિશેષ ટ્રેનોનું સંચાલન કર્યું છે, નવાઈ પામી જાય છે. હવે તમે, સૂરતની પાસે આવેલા ઔદ્યોગિક શહેર ઉધનાને જ જૂઓ – અહીંના રેલવે સ્ટેશનથી દરરોજ સરેરાશ સાત-આઠ હજાર યાત્રીઓની અવરજવર થતી હોય છે –
ચાર નવેમ્બરના રોજ આ નાનકડા સ્ટેશન પર ચાલીસ હજારથી વધુની ગીરદી ઉમટી પડી હતી. જો, રેલવે પ્રશાસને એક ટીમની જેમ કામ કરતાં યોગ્ય વ્યવસ્થાઓ ન કરી હોત, તો યાત્રીઓની તકલીફોનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ હતો. તહેવારો દરમિયાન, દેશભરમાં સૌથી વધુ અવરજવર નવી દિલ્લી સ્ટેશનથી થઈ. આ સમયગાળામાં માત્ર આ સ્ટેશનથી, યાત્રીઓની માંગ પર એક દિવસમાં 64 સ્પેશિયલ અને 19 અનરિઝર્વ્ડ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું હતું.
વિદેશી મહેમાનોથી ભરેલી એક સભામાં જ્યારે તહેવારો દરમિયાનની રેલવે યાત્રાની ચર્ચા થઈ, તો એક રાજદ્વારી આ સાંભળીને અચંબામાં પડી ગયા કે આ વર્ષે ફક્ત છઠ મહાપર્વથી પહેલાં, 4 નવેમ્બરના રોજ, લગભગ 3 કરોડ લોકો ટ્રેનથી પોતાના મુકામ સુધી ગયા, અને તહેવારોના દિવસોમાં તો રેલવે એ લગભગ 25 કરોડ યાત્રીઓને યાત્રા કરવામાં મદદ કરી. સંબંધિત રાજદ્વારીએ, હળવા સ્મિત સાથે કહ્યું કે પાકિસ્તાનની કુલ વસ્તીથી વધુ લોકોએ તો ફક્ત કેટલાક દિવસોમાં જ તમારી ટ્રેનોમાં યાત્રા કરી!
ભારતીય રેલ્વેને ખ્યાલ છે કે દેશના પૂર્વીય ભાગોમાંથી મોટી સંખ્યામાં ઔદ્યોગિક કેન્દ્રોમાં કામ કરી રહેલા આપણા ભાઈઓ અને બહેનોની દેશના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા છે. જમ્મૂની અટલ ટનલથી લઈને મુંબઈના સી–લિંક સુધી, અને બેંગલુરૂની આઈ–ટી સંસ્થાઓથી લઈને દિલ્લીના બાંધકામ હેઠળની બિલ્ડીંગો સુધીને, પૂર્વની માટીમાં રચેલા-પચેલા લોકોએ પોતાના હાથે બનાવ્યા છે.
દેશના સિમાડે સજ્જ સેના અથવા સીમા સુરક્ષા બળના જવાન હોય, પંજાબના ખેતરોમાં અનાજ ઉગાવતા મજૂર, સરકારી ઓફિસો તથા ખાનગી સંસ્થાઓમાં સેવારત કર્મચારી, અબાલ-વૃદ્ધ, અથવા દેશની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓમાં ભણી રહેલા વિદ્યાર્થી, આ તમામ પોતપોતાની રીતે આજના અને આવનાર આવતીકાલના ભારતની રચના કરી રહ્યા છે.
ભારતીય રેલવે પણ આધુનિક ટેકનોલોજી અને સુવિધાઓથી સજ્જ વંદે ભારત, અમૃત ભારત, નમો ભારત જેવી ટ્રેનોનું સતત વિસ્તરણ અને દેશભરના એક હજારથી વધુ રેલ્વે સ્ટેશનોને અમૃત સ્ટેશનોમાં રૂપાંતરિત કરીને એક નવી અને વિશ્વ કક્ષાની યાત્રાએ નીકળી પડી છે. બદલતા ભારતની બદલાતી તસ્વીર ભારતીય રેલવેના સ્વરૂપમાં હવે દેખાવા લાગી છે.