રેલવે ૬૦૦ મેલ-એક્સપ્રેસ બંધ કરે તેવી સંભાવના
નવી દિલ્હી: રેલવે દ્વારા નવું ટાઈમટેબલ બનાવવાની તૈયારી શરુ થઈ ગઈ છે. જેમાં દેશભરમાં ૬૦૦ જેટલી મેલ/એક્સપ્રેસ ટ્રેનો બંધ કરાય તેવી શક્યતા છે. આ ઉપરાંત, નાઈટ હૉલ્ટ સહિત ૧૦,૨૦૦ જેટલા સ્ટેશનો પણ પડતા મૂકવાની રેલવેની ગણતરી છે. આગામી થોડા મહિનામાં આ અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. રેલવેનો પ્લાન ૩૬૦ જેટલી પેસેન્જર ટ્રેનોને મેલ/એક્સપ્રેસ ટ્રેનમાં, અને ૧૨૦ મેલ/એક્સપ્રેસ ટ્રેનોને સુપર ફાસ્ટની કેટેગરીમાં તબદીલ કરવાનો છે.
સૂત્રોનું માનીએ તો, આ સમગ્ર આયોજન ફાઈનલ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે, અને જલ્દીથી તેનું નોટિફિકેશન જાહેર થઈ શકે છે. રેલવે બોર્ડના સીઈઓ અને ચેરમેન વીકે યાદવે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે રેલવે સામાન્ય રીતે કામ કરતી થશે ત્યારથી જ નવી સિસ્ટમ લાગુ કરી દેવાશે.
હાલની સ્થિતિમાં તેમણે આ અંગેની ચોક્કસ ટાઈમલાઈન આપવાનો ઈનકાર કરતા કહ્યું હતું કે રેલવેનું ઓપરેશન સામાન્ય બને તેના પર જ તેનો સમગ્ર આધાર છે. લોકડાઉન શરુ થયું ત્યારે તમામ પેસેન્જર ટ્રેનોનું સંચાલન રોકી દેવાયું હતું.
હાલ તેમાં ધીરે-ધીરે વધારો કરાઈ રહ્યો છે, પરંતુ હજુય ઘણી ટ્રેનો શરુ થવાની બાકી છે. પેસેન્જર ટ્રેનો તેમજ હૉલ્ટમાં ઘટાડો થવાથી ટ્રેનોની ફ્રિકવન્સી અને ટાઈમ પણ બદલાશે. રેલવે દ્વારા આઈઆઈટી મુંબઈ સાથે મળીને આ પ્લાન બનાવાઈ રહ્યો છે. જેમાં માલગાડીઓને ચલાવવા અને મેઈન્ટેનન્સ માટે અલાયદા સમયના કોન્સેપ્ટને અમલમાં મૂકવા પણ વિચારણા થઈ રહી છે. રેલવેના નવા પ્લાનથી તેના ખર્ચમાં પણ ઘટાડો થાય તેવી શક્યતા છે. પેસેન્જર ટ્રેનો ચલાવવામાં રેલવેને મોટું નુક્સાન વેઠવું પડે છે, અને હાલ રેલવે નાણાંકીય બોજ હેઠળ દબાયેલી છે.
આવક વધારવાનું તેના પર ભારે દબાણ છે. સૂત્રોનું માનીએ તો, રેલવે લિંક એક્સપ્રેસ ટ્રેન સર્વિસ પણ બંધ કરી શકે છે. આ સર્વિસમાં કેટલાક કોચને એક ટ્રેનમાંથી છૂટા કરીને તેને તેના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા બીજી ટ્રેન સાથે જોડવામાં આવે છે. લિંક સર્વિસને બદલે હવે રેલવે આવા રુટ પર અલગ ટ્રેન ચલાવવા માટે જ આયોજન કરી રહી છે.