Western Times News

Gujarati News

VGGS2024માં બનાવવામાં આવ્યું “અયોધ્યા ધામ જંકશન” ની થીમ પર આધારિત ભારતીય રેલવેનું પેવેલિયન

ગુજરાતના ગાંધીનગરમાં 10મા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ‘અયોધ્યા ધામ જંકશન’ ની થીમ પર આધારિત ભારતીય રેલવેના પેવેલિયનનું એક દ્રશ્ય. પશ્ચિમ રેલવેના મુખ્ય મેનેજર શ્રી અશોક કુમાર મિશ્ર દ્વારા પેવેલિયનની મુલાકાતના વિવિધ દ્રશ્ય.

ભારતીય રેલવેએ પાછલા 9 વર્ષોમાં ઝડપી ફેરફાર કર્યા છે અને એક પછી એક કેટલીયે સિદ્ધિઓ હાંસલ કરી છે તથા પોતાના આઉટ-ઓફ-ધી-બોક્સ વિચારની સાથે લક્ષ્યાંકોને પાર કર્યા છે. આ સિદ્ધિઓને 10મા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – 2024 માં પશ્ચિમ રેલવે દ્વારા સ્થાપિત ભારતીય રેલવેના પેવેલિયનમાં આકર્ષક રીતે પ્રદર્શિત કરવામાં આવી છે. આ ગ્લોબલ સમિટનું ઉદઘાટન 09 જાન્યુઆરી, 2024 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિવિધ દેશોના વિદેશી પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા આપવામાં આવેલી એક પ્રેસ રિલીઝ મુજબ 10મા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભારતીય રેલવેના પેવેલિયનને પુનઃવિકસિત અયોધ્યા જંકશન (ફેઝ-1) ની થીમ આપવામાં આવી છે. પેવેલિયન પાછલા 9 વર્ષો દરમિયાન ભારતીય રેલવેની પ્રગતિ અને સિદ્ધિઓનું ચિત્રણ કરે છે, જેમ કે ચિનાબ બ્રિજ – જે વિશ્વનો સૌથી ઊંચો સ્ટીલ આર્ક બ્રિજ છે.

પેવેલિયનમાં ડિજિટલ પેનલ અને સૂચના પેનલ સહિત કેટલાક વિભાગ છે જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સંરક્ષા, સુરક્ષા, માલ લોડિંગ, પર્યાવરણ મિત્રતા વગેરે જેવા વિવિધ પાસાઓમાં ભારતીય રેલવેની પ્રગતિ અને સિદ્ધિઓને પ્રદર્શિત કરે છે. પેવેલિયનમાં ઈન્ફોર્મેશન ફાઉન્ટેન ભારતીય રેલવેની કેટલીક પ્રમુખ પરિયોજનાઓ પર ડિજિટલ બ્રોશર અને લઘુ વીડિયો મારફતે વિગતવાર માહિતી આપે છે. પેવેલિયનમાં ચિનાબ બ્રિજનું એક મોડલ પ્રદર્શિત કરવામાં આવ્યું છે

જે ભારતીય રેલવેની એન્જિનિયરીંગ ઉત્કૃષ્ટતાનું આકર્ષણ દર્શાવે છે. આના સિવાય, ભીડ એકઠી કરનાર વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર) અનુભવ છે, જે દર્શકોને લોકો પાયલોટના કેબિનથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ગતિનો અનુભવ કરાવે છે, સ્ટ્રાઈક ધી હેમર – એક ગેમીફાઈડ ડિસ્પ્લે છે જેના પર એક વ્યક્તિએ ટ્રેન ચલાવવા માટે હથોડો મારવાનો હોય છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અને અન્ય ટ્રેનોના વર્કિંગ મોડલ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. મનોરંજન માટે અને આગંતુકોના જ્ઞાનના પરિક્ષણ માટે એક રેલવે-આધારિત પ્રશ્નોત્તરીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી ઠાકુરે જણાવ્યું કે 10મા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદઘાટનના દિવસે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્ર એ પશ્ચિમ રેલવેના અન્ય સિનિયર અધિકારીઓની સાથે ગાંધીનગર, ગુજરાતમાં ભારતીય રેલવેના પેવેલિયનની મુલાકાત લીધી અને પેવેલિયનને સફળ બનાવવામાં થયેલા પ્રયાસોની પ્રશંસા કરી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.