રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે સરકાર સાથે મળીને નાગરિકોના આરોગ્યની દરકાર લઈ રહી છે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી
થેલેસેમિયા, એનિમિયા, સર્વાઈકલ કેન્સર, સિકલ સેલ, સ્તન કેન્સરની સઘન તપાસ સહિત કૃત્રિમ અંગ, પેથોલોજી, ડેન્ટલ અને ફિઝિયોથેરાપી સુવિધાઓ થકી જન આરોગ્યની દરકાર લેતી સંસ્થા
- છેલ્લાં ૩ વર્ષમાં દર વર્ષે સરેરાશ ૨૫,૦૦૦ દર્દીઓએ સંસ્થાની પેથોલોજી ઓપીડીનો લાભ મેળવ્યો
- જાન્યુઆરી ૨૦૨૩થી અત્યાર સુધી સંસ્થા દ્વારા ૭૭,૪૧૨ મહિલાઓનું એનિમિયા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું
- રાહત દરે બ્લડ ટેસ્ટ્સ અને બોડી પ્રોફાઇલ માટે રાજ્યમાં ગુજરાત રેડક્રોસની ૧૨ પેથોલોજી લેબ કાર્યરત
- થેલેસેમિયા અને સિકલ સેલ પ્રિવેન્શન પ્રોગ્રામ અંતર્ગત ૨૦૦૪થી ૨૦૨૪ સુધી પ્રિમેરિટલ સ્ક્રિનિંગ કાર્યક્રમમાં કુલ ૩૯,૧૨,૫૮૧ વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ થયું
- સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામ થકી રાજ્યની ૧૧ હજારથી વધુ મહિલાઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું
- સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ પૂરી પાડવા માટે ૭૩ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ગુજરાત સરકારની હોસ્પિટલ્સ ખાતે કાર્યરત
દેશના વડાપ્રધાન અને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌના સાથ થકી સૌના વિકાસનો મૂળ મંત્ર સાર્થક કરતાં રાજ્યમાં જન જનના સહયોગ દ્વારા વિકાસની પરિભાષા સાર્થક કરી હતી. સામાજિક સંસ્થાઓ અને સમાજને સાથે રાખીને તેમણે રાજ્યના સર્વાંગી વિકાસનો પાયો નાખ્યો હતો.
રાજ્યમાં તબીબી ક્ષેત્રે અદ્યતન આરોગ્ય સુવિધાઓ, કુશળ તબીબ સ્ટાફ સહિત ઉચ્ચ કક્ષાના હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યને આરોગ્ય ક્ષેત્રે વિકસિત બનાવવાની પહેલ આરંભી હતી. તેમના આ સ્વપ્નને સાકાર કરવા માટે ઘણી સામાજિક સંસ્થાઓએ પણ પોતાનું મહત્ત્વનું યોગદાન આપ્યું છે. આવી જ એક સંસ્થા છે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી.
પરિચય
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાતમાં તબીબી અને માનવતાવાદી સામાજિક સેવાઓમાં અગ્રગણ્ય સંસ્થા તરીકે જાણીતી છે. ગુજરાતમાં તમામ ૩૩ જિલ્લાઓમાં અને ૯૧ તાલુકા મથકોમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની શાખાઓ કાર્યરત છે. થેલેસેમિયા, સિકલ સેલ એનિમિયા, સર્વાઈકલ કેન્સર, સ્તન કેન્સરની સઘન તપાસ સહિત કૃત્રિમ અંગ, પેથોલોજી, ડેન્ટલ અને ફિઝિયોથેરાપી સુવિધાઓ થકી વર્ષોથી રાજ્યના નાગરિકોના આરોગ્યની દરકાર લેવામાં આ સંસ્થા સરકાર સાથે મળીને નોંધપાત્ર કામગીરી કરી રહી છે.
પેથોલોજી લેબોરેટરી સુવિધા અને એનિમિયા સ્ક્રીનિંગ
ગુજરાત રેડ ક્રોસ સંપૂર્ણપણે ઓટોમેટિક અને અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ છે. છેલ્લા ૩ વર્ષમાં દરવર્ષે સરેરાશ ૨૫,૦૦૦ દર્દીઓએ સંસ્થાની પેથોલોજી ઓપીડીનો લાભ મેળવ્યો છે. જાન્યુઆરી ૨૦૨૩થી અત્યાર સુધી સંસ્થા દ્વારા ૭૭,૪૧૨ મહિલાઓ એનિમિયા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. રાહત દરે બ્લડ ટેસ્ટ્સ અને બોડી પ્રોફાઈલ માટે રાજ્યમાં ગુજરાત રેડ ક્રોસની ૧૨ પેથોલોજી લેબ કાર્યરત છે તેમજ વધુ ૧૪ નવી લેબોરેટરી આવનારા સમયમાં શરૂ કરવામાં આવનાર છે.
તમામ વર્ગને પોસાય તેવા દરે સંસ્થા દ્વારા વિવિધ પ્રકારના બોડી પ્રોફાઈલ ટેસ્ટ (આર્થરાઇટિક પ્રોફાઈલ, ડાયાબિટીસ પ્રોફાઈલ, એનિમિયા પ્રોફાઈલ, પાયરેક્સિયા પ્રોફાઈલ, બેઝિક, એડવાન્સ, પ્રીમિયમ, એક્ઝિક્યુટિવ બોડી પ્રોફાઈલ) પૂરાં પાડવામાં આવે છે. સંસ્થાની અમદાવાદ ખાતેની પેથોલોજી લેબોરેટરી એનએબીએલની માન્યતા પ્રાપ્ત છે.
થેલેસેમિયા અને સિકલ સેલ નિયંત્રણ
ગુજરાતના નાગરિકોમાં થેલેસેમિયા અને સિકલ સેલ જેવી હેમોગ્લોબિનોપથીઝને નાબૂદ કરવા માટે રેડ ક્રોસે ૨૦૦૪માં થેલેસેમિયા અને સિકલ સેલ પ્રિવેન્શન પ્રોગ્રામ શરૂ કર્યો હતો. ૨૦૦૪થી ૨૦૨૪ સુધી, ગુજરાતની ૧૨ યુનિવર્સિટીઓ સંસ્થાના પ્રિમેરિટલ સ્ક્રીનિંગ પ્રોગ્રામમાં જોડાઇ છે.
જે અંતર્ગત કુલ ૩૯,૧૨,૫૮૧ વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ થયું છે.
થેલેસેમિયા માઇનર વિદ્યાર્થિઓની સંખ્યા ૧,૬૧,૫૬૯ (૪.૧૩%); સિકલ સેલ ટ્રેટ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ૧,૬૭,૮૧૯ (૪.૩%) અને નોર્મલ વિદ્યાર્થીઓની સંખ્યા ૩૫,૮૩,૧૯૩ છે.
હાઇ રિસ્ક ધરાવતા સમાજના લોકોના સ્ક્રીનિંગ કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં ૧,૧૯,૩૪૫ યુવાનોનું સ્ક્રીનિંગ થયું છે તેમાં ૧૪%થી ૧૭% યુવાનો થેલેસેમિયા અથવા સિકલ સેલ પોઝિટિવ જોવા મળ્યા છે.
અંતરગર્ભીય સ્ક્રિનિંગ અને પ્રિ-નેટલ ડાયગ્નોસિસ પ્રોજેક્ટ અંતર્ગત ૨૦૧૦- ૨૦૨૩ સુધીમાં ૯,૩૯,૧૫૮ ગર્ભવતી મહિલાઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે, જેમાંથી પોઝિટિવ ગર્ભવતી મહિલાઓની સંખ્યા ૫૧,૦૬૧ છે અને ૪૦,૭૧૫ પતિઓનું સ્ક્રિનિંગ થયું છે. ૨,૬૦૫ કિસ્સામાં પ્રિ-નેટલ ડાયગ્નોસિસ કરાતાં ૬૦૨ જેટલા થેલેસેમિક બાળકોના જન્મને રોકવામાં આવ્યા છે, જે આ પ્રોજેક્ટની નોંધપાત્ર સિદ્ધિ છે.
સર્વાઈકલ કેન્સર અવેરનેસ પ્રોગ્રામ
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત શાખા દ્વારા સર્વાઈકલ કેન્સરનો અવેરનેસ પ્રોગ્રામ ૨૦૧૮થી ચલાવવામાં આવે છે. રેડક્રોસ દ્વારા સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામ થકી રાજ્યની ૧૧ હજારથી વધુ મહિલાઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે.
ઈન હાઉસ આર્ટિફિશિયલ લીમ્બ મેન્યુફેક્ચરિંગ સેન્ટર
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, અમદાવાદનું ઇન હાઉસ આર્ટિફિશિયલ લીમ્બ મેન્યુફેક્ચરિંગ સેન્ટર ૧૯૭૨થી જરૂરિયાતમંદ દિવ્યાંગ વ્યક્તિઓને કૃત્રિમ અંગ પૂરા પાડીને દિવ્યાંગ વ્યક્તિઓના જીવનમાં ઉજાસ પાથરવાનું ઉમદા કાર્ય કરી રહી છે.
પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર
17 સપ્ટેમ્બર, 2023ના રોજ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના 73મા જન્મદિવસ નિમિત્તે ગુજરાત રેડક્રોસ દ્વારા એકસાથે એક સમયે 73 પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ગુજરાત સરકારની હોસ્પિટલ્સ ખાતે ખોલવામાં આવ્યા હતા. રેડક્રોસ દ્વારા ગત 1 વર્ષમાં સસ્તી દવાઓ થકી રાજ્યના નાગરિકોની આશરે 100 કરોડથી વધુ રૂપિયાની બચત થવા પામી છે. દિવસના 5 હજારથી વધુ દર્દીઓ આ કેન્દ્રો પરથી સસ્તી જેનેરિક દવાઓની સેવાનો લાભ લઇ રહ્યા છે. -મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ