Western Times News

Gujarati News

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી હત્યા કરવામાં આવી

વાશિગ્ટન, અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. તાજેતરની ઘટનામાં તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાંથી અમેરિકા ભણવા ગયેલા એક વિદ્યાર્થીની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. મૃતકની ઓળખ જી.પ્રવીણ (૨૬) તરીકે થઇ છે.

પ્રવીણ વિસ્કોન્સિનના મિલ્વોકીમાં એમ.એસ.નો અભ્યાસ કરી રહ્યો હતો અને તે એક સ્ટોરમાં પાર્ટ ટાઈમ નોકરી કરતો હતો.આ ઘટના બુધવારે સવારે બની હતી જેના બાદ અમેરિકાના અધિકારીઓએ પ્રવીણના પરિજનોને તેની જાણકારી આપી હતી.

પીડિતના પિતા રાઘવુલુએ કહ્યું કે મને સવારે ૫ વાગ્યે એક વોટ્‌સએપ કોલ આવ્યો હતો પણ મેં તે ન ઉપાડ્યો. પછી સવારે મેં મિસ્ડ કાલ જોઈને વોઈસ મેસેજ મોકલ્યો. કલાક વીતી જવા છતાં કોઈ જવાબ ન મળ્યો તો મને ચિંતા થવા લાગી અને પછી મેં મારા દીકરાના મિત્રોને કોલ કર્યાે.

ત્યારે મને જાણકારી મળી કે મારો દીકરો એક સ્ટોર પર પાર્ટ ટાઈમ નોકરી માટે ગયો હતો અને લૂંટફાટની ઘટના વખતે લૂંટારૂઓએ તેને ગોળી મારી દીધી. જેના કારણે મારા દીકરાનું મોત નીપજ્યું.

આ ઉપરાંત પ્રવીણના પિતરાઈ ભાઈ અરુણે જણાવ્યું કે પ્રવીણના મિત્રોએ જાણકારી આપી હતી કે મારા ભાઈને ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યો હતો. જોકે અમુક લોકો કહે છે કે પ્રવીણની હત્યા એક સ્ટોરમાં અજાણ્યા હુમલાખોરોએ કરી હતી.

અમને અત્યાર સુધી તેના મોતનું સચોટ કારણ જાણવા મળ્યું નથી. અમેરિકાના અધિકારીઓ કહે છે કે પોસ્ટમોર્ટમ બાદ જ અમને સચોટ કારણ જાણવા મળશે. પ્રવીણે હૈદરાબાદમાં બીટેકનો અભ્યાસ કર્યાે હતો અને ૨૦૨૩માં એમ.એસ. કરવા અમેરિકા ગયો હતો.

પાંચ મહિનામાં ત્રીજી ઘટના અમેરિકામાં તેલંગાણાના વિદ્યાર્થીની આ પહેલી હત્યા નથી. છેલ્લા પાંચ મહિનામાં આ ત્રીજી ઘટના છે. નવેમ્બર ૨૦૨૪માં ખમ્મમ જિલ્લાના એક વિદ્યાર્થી અને જાન્યુઆરી ૨૦૨૫માં હૈદરાબાદના એક વિદ્યાર્થીની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાઓએ અમેરિકામાં અભ્યાસ કરતા અને કામ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.