ઓસ્ટ્રેલિયાએ ઇમિગ્રેશનની લિમિટ વધારતાં ભારતીયોને ફાયદો
(એજન્સી)મેલબોર્ન, ઓસ્ટ્રેલિયાના વિઝા ઇચ્છતા અથવા ત્યાં કાયમ માટે સેટલ થવા માંગતા લોકો માટે એક ખુશખબર છે. ઓસ્ટ્રેલિયાએ ઇમિગ્રેશનની ટોચમર્યાદા એટલે કે લિમિટમાં વધારો કર્યો જેના કારણે ભારતીયોને સૌથી વધુ ફાયદો થવાની શક્યતા છે.
ઓસ્ટ્રેલિયામાં હાલમાં સ્કીલ્ડ લોકોની અછત હોવાના કારણે સ્કીલ્ડ ઈમિગ્રેશન પર વધારે આધાર રાખવો પડશે. ઓસ્ટ્રેલિયન સરકારે ટેમ્પરરી સ્કીલ્ડ શોર્ટેજ વિઝામાં ફેરફાર કર્યો છે જેનાથી કાયમ માટે ઓસ્ટ્રેલિયાની રેસિડન્સી મળી શકે છે.
આ ફેરફાર ટેમ્પરરી સ્કીલ શોર્ટેજ વિઝા, ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા અને વર્કિંગ હોલિડે મેકર વિઝા માટે કરવામાં આવ્યા છે. સ્કીલ્ડ વર્કર્સ વિઝા ધરાવતા તમામ લોકો હવે સરળતાથી ઓસ્ટ્રેલિયન પીઆર (પર્મેનન્ટ રેસિડન્સી) માટે અરજી કરી શકશે.
ઓસ્ટ્રેલિયન સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં જે લોકો ઓસ્ટ્રેલિયા માઈગ્રેટ થવા માંગતા હોય અથવા ઓસીમાં પહેલેથી ઈમિગ્રન્ટ હોય અને પીઆર ઇચ્છતા હોય તેવા લોકો માટે ત્રણ પ્રકારના વિઝામાં ફેરફારની જાહેરાત કરી છે.
ચેમ્પરરી સ્કીલ શોર્ટેજ વિઝાઃ નવા સુધારા પ્રમાણે ઓસ્ટ્રેલિયન સરકારે ટેમ્પરરી સ્કીલ શોર્ટેજ (ટીએસએસ) સબક્લાસ ૪૮૨ વિઝા હોલ્ડર્સની જાહેરાત કરી છે. ૩૧ માર્ચ ૨૦૨૨ સુધીમાં સબક્લાસ ૪૮૨ અને સબક્લાસ ૪૫૭ હેઠળ ૫૨,૦૦૦થી વધારે ઉમેદવારો હતા. તેના કારણે ઓસ્ટ્રેલિયમ પીઆર માટે અરજી કરવાની શક્યતા ખતમ થઈ જતી હતી. પરંતુ ૧ જુલાઈથી આ વિઝા હોલ્ડર્સ ટેમ્પરરી રેસિડન્સ ટ્રાન્ઝિશ (ટીઆરટી) વિઝા માટે અરજી કરી શકે છે.
રિપ્લેસમેન્ટ વિઝા માટે ઉમેદવાર પાસે ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા હોવો જાેઈએ જે ૧ ફેબ્રુઆરી ૨૦૨૦ પછી એક્સપાયર થયો હોય. તેઓ ૧ ફેબ્રુઆરી ૨૦૨૦થી ૧૫ ડિસેમ્બર ૨૦૨૧ વચ્ચે ઓસ્ટ્રેલિયાની બહાર હોવા જાેઈએ.
વિઝા પોલિસીમાં ફેરફાર કરવા પાછળનો હેતુ એવા ઉમેદવારોને મદદ કરવાનો છે જેઓ કોવિડના કારણે પોતાની એપ્રૂવલ ગુમાવી બેઠા હોય. એક અંદાજ પ્રમાણે લગભગ ૩૦,૦૦૦ લોકો પાસે આ વિઝા છે. જાેકે, તેમને ક્વોલિફિકેશનના આધારે વિઝાનો સમય લંબાવી આપવામાં આવશે.
હાલમાં સમગ્ર વિશ્વમાં ભારતીય ડાયસ્પોરાના લોકોની સંખ્યા સૌથી વધુ છે. એક અંદાજ પ્રમાણે વિશ્વના જુદા જુદા દેશોમાં લગભગ ૧.૮૦ કરોડ ભારતીયો વસે છે. તેમાં પણ યુકે, યુએસએ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા ભારતીય ડાયસ્પોરામાં સૌથી વધારે ફેવરિટ છે.