Western Times News

Gujarati News

૮૧ કિલોમીટરની ઉંચાઈએ પહોંચશે ભારતનું પ્રથમ પ્રાઈવેટ રોકેટ વિક્રમ-S

ઈસરો કેન્દ્રથી દેશનું પ્રથમ પ્રાઈવેટ રોકેટ વિક્રમ-એસ લોન્ચ-સરકારી સંસ્થા ઈસરોનું દાયકાઓથી આ ક્ષેત્રમાં પ્રભુત્વ, ૪ વર્ષ જૂના સ્ટાર્ટ-અપ સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા પ્રક્ષેપણ

(એજન્સી)શ્રી હરિકોટા, દેશનું પ્રથમ પ્રાઈવેટ રોકેટ ‘વિક્રમ-એસ’ આજે સવારે ૧૧.૩૦ વાગ્યે શ્રીહરિકોટા સ્થિત ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો) કેન્દ્રથી લોન્ચ કરવામાં આવ્યું હતું.

ચાર વર્ષ જૂના સ્ટાર્ટ-અપ સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિક્રમ-એસ રોકેટના પ્રથમ પ્રક્ષેપણ માટે તૈયારીઓ કરવામાં આવી હતી.દેશના અંતરિક્ષ ઉદ્યોગમાં ખાનગી ક્ષેત્રની આ એન્ટ્રી છે. સરકારી સંસ્થા ઈસરોનું દાયકાઓથી આ ક્ષેત્રમાં પ્રભુત્વ રહ્યું છે.

કેન્દ્ર સરકારે ૨૦૨૦માં સ્પેસ ઉદ્યોગને ખાનગી ક્ષેત્ર માટે ખોલ્યા પછી સ્કાયરૂટ એરોસ્પેસ ભારતીય અવકાશ કાર્યક્રમમાં પગ મૂકનાર ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રની કંપની બની છે. અગાઉ આ રોકેટને ૧૫ નવેમ્બરે લોન્ચ કરવાની યોજના હતી. વિક્રમ-એસ સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થયા બાદ ૮૧ કિલોમીટરની ઉંચાઈએ પહોંચશે.

રોકેટનું નામ ભારતીય સ્પેસ પ્રોગ્રામના પિતા અને દિવંગત વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે. ‘પ્રારંભ’ નામનું મિશન બે સ્થાનિક અને એક વિદેશી ગ્રાહકના ત્રણ પેલોડ લઈને ગયું છે. વિક્રમ-એસ સબ-ઓર્બિટલ ફ્લાઇટ ચેન્નાઈના સ્ટાર્ટઅપ સ્પેસ કિડ્‌ઝ,

આંધ્ર પ્રદેશના સ્ટાર્ટઅપ એન-સ્પેસ ટેક અને આર્મેનિયન સ્ટાર્ટઅપ બાઝુમક્યુ સ્પેસ રિસર્ચ લેબના ત્રણ પેલોડ લઈને ગયું છે. સ્કાયરૂટના એક અધિકારીએ જણાવ્યું હતું કે રોટેશનલ સ્ટેબિલિટી માટે ૩-ડી પ્રિન્ટેડ સોલિડ પ્રોપેલન્ટ ધરાવતું છ મીટર ઊંચું રોકેટ વિશ્વનું પ્રથમ રોકેટ છે. ભારતીય સ્પેસ રેગ્યુલેટર ઇન-સ્પેસે બુધવારે સ્કાયરૂટના વિક્રમ-એસ સબ-ઓર્બિટલ વ્હીકલના લોન્ચને અધિકૃત કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.