ભારતની પ્રથમ મિસ ગ્રાન્ડ રશેલ ગુપ્તાએ ગોલ્ડન તાજનો ત્યાગ કર્યાે

રશેલે યુટ્યુબ પર લગભગ એક કલાકનો વીડિયો શેર કર્યો
મને માનસિક ત્રાસ આપ્યો, મને હાનિ પહોંચડવા આયોજકો કોઈ પણ હદે જઈ શકે છે, પૂર્વ સ્પર્ધકોએ પણ ટેકો આપ્યો
મુંબઈ,રશેલ ગુપ્તા પહેલી ભારતીય હતી, જેણે ૨૦૨૪માં મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલનો ગોલ્ડન તાજ જીતીને ઇતિહાસ સર્જ્યાે હતો. સમગ્ર દેશ માટે આ એક ઐતિહાસિક ઘટના બની ગઈ હતી. તેના પછી તેને એક મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ તરીકે અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો હતો. પરંતુ બુધવારે મોડી રાત્રે તેણે ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી કે આ પદ છોડી રહી છે અને તેણે મહેનતથી જીતેલો તાજ પાછો આપી રહી છે. તેણે કહ્યું કે તેણે ઘણી મહેનતથી આ સ્પર્ધા જીતી હતી, તેથી તેના માટે આ નિર્ણય લેવો સરળ નહોતો. પરંતુ તેણે ઘણી મુશ્કેલી અને મનોમંથન પછી આ નિર્ણય લીધો છે.
રશેલે યુટ્યુબ પર લગભગ એક કલાકનો વીડિયો શેર કરતાં કહ્યું, “આટલી ખુલીને અને પ્રામાણિકપણે બોલવા માટે ઘણી હિંમતની જરૂર પડે છે, પરંતુ મને ખરેખર આશા છે કે આનાથી એવી છોકરીઓને મદદ મળશે જે મારા જેવા સપના ધરાવે છે. મારી વાત તમને સ્પષ્ટ ચિત્ર બતાવી શકે છે, હું તમને વિનંતી કરું છું કે તમે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન આપો. મારી પાસે દરેક વસ્તુ માટે સ્ક્રીનશોટ અને રસીદો છે, પરંતુ હું તેમનાં જેટલી નીચલા સ્તર સુધી જવા માગતી નથી.
જે લોકો મારા પર વિશ્વાસ કરે છે તેઓ પુરાવાને ધ્યાનમાં લીધા વિના મારી વાત માનશે જ. તમે જે પ્રાપ્ત કરવા માટે આટલી સખત લડાઈ કરી છે તેને પાછું આપવું સરળ નથી, પરંતુ પદ છોડવાનો મારો નિર્ણય પ્રામાણિકતા અને આત્મસન્માન પર આધારિત છે. મારી વાત સાંભળવા અને મને ટેકો આપવા બદલ આભાર.” તેના આ વીડિયો પર આ સ્પર્ધાની પૂર્વ સ્પર્ધકોએ પણ રચેલને ટેકો આપ્યો હતો. હવે આ મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ સંસ્થાએ રચેલ ગુપ્તાને આ પદ માટે ગેરજવાબદાર ઠેકવીને તેની પછીની રનર અપ રહેલી મિસ ફિલિપાઇન્સને વિજેતા પણ જાહેર કરી દીધી છે.SS1