ભારતના મીડિયા ઇકોસિસ્ટમને વિદેશી સંસ્થાઓ પાસેથી માન્યતાની જરૂર નથી: કેન્દ્ર સરકાર

નવી દિલ્હી, માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ મુરુગને લોકસભામાં પ્રેસ સ્વતંત્રતા અને રેન્કિંગમાં ઘટાડા પાછળના તર્ક પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યો હતો.
તેમણે કહ્યું હતું કે, ભારતમાં મીડિયા કોઈપણ દબાણ વિના મુક્ત અને સક્રિય રીતે કામ કરી રહ્યું છે અને તેને વિદેશી સંગઠનો તરફથી માન્યતાની જરૂર નથી. એલ મુરુગને કોંગ્રેસના સાંસદ કે સુધાકરણના લેખિત પ્રશ્નના જવાબમાં આ વાત કહી હતી, જેમણે ૨૦૨૪માં ગ્લોબલ પ્રેસ ળીડમ ઇન્ડેક્સમાં ભારતના રેન્કિંગમાં ઘટાડા વિશે સવાલ પૂછ્યો હતો.
મંત્રીએ કહ્યું કે ભારતમાં એક્ટિવ મીડિયા સિસ્ટમ છે જેને વિદેશી સંસ્થાઓ પાસેથી માન્યતાની જરૂર નથી. નોંધનીય છે કે, મુરુગનનું આ નિવેદન ગયા વર્ષે રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ દ્વારા પ્રકાશિત થયેલા અહેવાલ પછી આવ્યું છે જેમાં પત્રકારોની સ્વતંત્રતાના સંદર્ભમાં ભારત ૧૮૦ દેશોમાં ૧૫૯મા ક્રમે હતું.
કેન્દ્ર સરકાર દ્વારા પ્રેસની સ્વતંત્રતા અને પત્રકારોના અધિકારોના રક્ષણ માટે લેવામાં આવેલા પગલાં વિશે પૂછવામાં આવતા મંત્રીએ કહ્યું કે બંધારણની કલમ ૧૯ હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતા સુરક્ષિત છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, ભારતમાં મજબૂત ન્યાયિક વ્યવસ્થા છે જે બંધારણીય જોગવાઈઓને લાગુ કરવામાં મદદ કરે છે.મંત્રીએ એ પણ માહિતી આપી હતી કે, પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા પ્રેસની સ્વતંત્રતાના રક્ષણ માટે કામ કરે છે અને પત્રકારો પર શારીરિક હુમલા અને હુમલા સંબંધિત ફરિયાદોનું નિરાકરણ લાવે છે.SS1MS