ભારતની સૌથી આધુનિક કલવરી ક્લાસની સબમરીન પરેડમાં દર્શાવાશે
નવી દિલ્હી, આ વર્ષે ૨૬મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસની પરેડમાં એવી સબમરીન પણ પોતાની તાકાત બતાવશે, જે દેશની સુરક્ષા માટે સમુદ્રમાં ચુપચાપ પોતાનું કામ કરી રહી છે. કલવરી ક્લાસની આ સબમરીન ભારતની સૌથી આધુનિક સબમરીન છે જે તે ડીઝલ અને ઇલેક્ટ્રિક બંને પર ચાલે છે. આ સબમરીન ફ્રાન્સની ટેકનિકલ મદદથી મુંબઈના મઝાગોન ડોકયાર્ડમાં બનાવવામાં આવી છે.
કલવરી ક્લાસની આવી ૬ સબમરીન ભારતીય નૌકાદળમાં સામેલ થવાની છે. હાલમાં આ ક્લાસની પાંચ સબમરીન નૌકાદળમાં સામેલ કરવામાં આવી છે અને છઠ્ઠી સબમરીન પણ થોડા દિવસોમાં જાેડાશે. આ ક્લાસની પ્રથમ સબમરીનનું નામ કલવરી છે જે લગભગ ૬૭ મીટર લાંબી અને ૨૧ મીટર ઊંચી છે અને તેનું વજન લગભગ દોઢ હજાર ટન છે.
તે પાણીની ઉપર ૨૦ કિલોમીટર પ્રતિ કલાક અને પાણીની અંદર ૩૭ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. આ સબમરીન ૫૦ દિવસ સુધી પાણીમાં રહી શકે છે તેમજ અનેક પ્રકારના મિશનમાં મહત્વની ભૂમિકા ભજવવામાં સક્ષમ છે.
ટોર્પિડો અને એન્ટિ-શિપ મિસાઇલથી સજ્જ આ સબમરીન યુદ્ધ જહાજાેને પણ નષ્ટ કરવામાં સક્ષમ છે. આ શ્રેણીની સબમરીનને ‘સેન્ડ શાર્ક’ પણ કહેવામાં આવે છે, એટલે કે દુશ્મનની નજરથી છુપાઈને હુમલો કરવામાં નિષ્ણાત હોય છે. આ સબમરીન આધુનિક સુવિધાઓથી સજ્જ છે.
આ સબમરીનને સ્ટેટ ઓફ આર્ટ સબમરીન પણ કહેવામાં આવે છે. આની દેખરેખથી હિંદ મહાસાગરમાં ભારતીય સુરક્ષાની દીવાલ વધુ મજબૂત બને છે. SS2SS