Western Times News

Gujarati News

ભારતનું ફાર્મા સીડીએમઓ માર્કેટ ૨૦૨૮ સુધીમાં ડબલ થઈ જશે

પેરિસ, દેશનું કોન્ટ્રેક્ટ ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઈઝેશન માર્કેટ જબરદસ્ત વૃદ્ધિ કરી રહ્યું છે અને આગામી સમય આ સેક્ટર માટે સાનુકૂળ જણાય છે.

સીડીએમઓ માર્કેટ હાલમાં ૭ અબજ ડોલરથી વધીને ૨૦૨૮ સુધીમાં ડબલ એટલે કે ૧૪ અબજ ડોલર થવાનો અંદાજ છે. બીસીજીના રિપોર્ટ અનુસાર વિશ્વબજારના ૪-૫ ટકા પર ભારતીય કંપનીઓનો કબજો હશે.એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈનગ્રેડિયન્ટ્‌સમાં ભારતની મજબૂત સ્થિતિ અને જેનરિક દવાઓમાં પણ ભારતનું વર્ચસ્વ છે અને ચીન કરતાં ઓછા ખર્ચે દવાઓ તૈયાર થાય છે જે વધારાનો લાભ પણ છે.

કેટલીક ભારતીય સીડીએમઓ કંપનીઓને ૨૦૨૪માં રિક્વેસ્ટ્‌સ ફોર પ્રપોઝલ્સમાં ૫૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. વૈશ્વિક ફાર્માસ્યુટિકલ કંપનીઓ ચીનમાંથી અથવા તો ચીન પ્લસ વન પોલિસી અંતર્ગત ભારતમાં સપ્લાય ચેઈન સ્થાપવા માગે છે. ભારતીય ફાર્મા સર્વિસીઝ ચીનની કંપનીઓ કરતાં ૨૦ ટકા સસ્તી છે જેને કારણે તે વધુ સ્પર્ધાત્મક છે.

બીસીજીના રિપોર્ટ અનુસાર બાયોફાર્માસ્યુટિકલ સેક્ટર ઈનોવેટિવ ડ્રગ મોડેલિટિઝ તરફ શિફ્ટ થઈ રહ્યું છે જે પરંપરાગત સ્મોલ-મોલેક્યૂલ દવાઓ કરતાં વધુ તીવ્ર ગતિથી વૃદ્ધિ કરશે.જે મોડેલિટિઝની માંગ વધવાની સંભાવના છે તેમાં સેલ અને જીન થેરપી છે જે વાર્ષિક ૪૫ ટકા ચક્રવૃદ્ધિદરથી વધવાનો અંદાજ છે. આ ઉપરાંત એન્ટિબોડી-ડ્રગ કોન્જુગેટ્‌સ ૨૫ ટકા વર્ષિક ચક્રવૃદ્ધિદરે વધવાનો અંદાજ છે.

ન્યૂક્લીક એસિડ થેરાપેટિક્સ ૩૬ ટકા સીએજીઆરથી વૃદ્ધિ કરશે તેવો અંદાજ છે.નવી દવાઓની મોડેલિટિઝ માટેનું સીડીએમઓ માર્કેટ ૨૦૨૮ સુધીમાં ૨૦ અબજ ડોલરનું થવાનો અંદાજ છે, જેમાં એશિયાની સીડીએમઓ કંપનીઓ કાઠું કાઢશે અને વૈશ્વિક ફાર્મા કંપનીઓને મોટાપાયે અને ઓછા ખર્ચે સોલ્યૂશન્સ પ્રોવાઈડ કરશે.

એશિયા-પેસિફિક હેલ્થકેર સેક્ટર ઝડપથી બદલાઈ રહ્યું છે અને આ સેક્ટરમાં ૨૦૦૮થી અત્યાર સુધીમાં સીધું વિદેશી રોકાણ (એફડીઆઈ) પણ ડબલ થયું છે.

એપીએસી હેલ્થકેર માર્કેટ ૨૦૩૦ સુધીમાં ૫ લાખ કરોડ ડોલરને આંબશે અને વૈશ્વિક બજારમાં ૪૦ ટકા યોગદાન તેનું હશે. લોકોની આવક વધી રહી છે જેને કારણે તેઓ હેલ્થકેર ક્ષેત્રે વધુ ખર્ચ કરશે. એશિયામાં હાઈ ઈન્કમ હાઉસહોલ્ડ (જેમની વાર્ષિક આવક ૩૦,૦૦૦ ડોલર કે તેથી વધુ છે)ની સંખ્યા વર્ષ ૨૦૦૦માં ૩.૪ કરોડ ડોલર હતી, જે ૨૦૩૦ સુધીમાં પાંચ ગણી વધીને ૧૭.૫ કરોડ થવાનો અંદાજ છે.

ભારત અને અમેરિકા વચ્ચેનો વ્યાપાર ૨૦૨૨થી ૨૦૩૩ વચ્ચે ૧૦૨ અબજ ડોલર વધવાનો અંદાજ છે. અમેરિકા અને ચીન વચ્ચેનો વ્યાપાર આ ગાળામાં ઘટશે.

ભારત અને એપીએસી દેશોમાં પાંચ વર્ષમાં ફાર્માસ્યુટિકલ બિઝનેસ ૯ ટકાના વાર્ષિક ચક્રવૃદ્ધિદરથી વધશે તેવો અંદાજ છે. મેડિકલ ટેન્કોલોજી બિઝનેસ ૮ ટકાના સીએજીઆરથી વધવાનો અંદાજ છે. ડિજિટલ હેલ્થમાં પણ ૯ ટકાના ચક્રવૃદ્ધિદરે વધારો થવાનો અંદાજ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.