ભારતનો ધબડકો, અંતિમ ૬ વિકેટ ૦ રનમાં ગુમાવી
કેપ ટાઉન, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી કેપ ટાઉનમાં બીજી ટેસ્ટ મેચનો પ્રારંભ થયો છે. દક્ષિણ આફ્રિકા પ્રથમ ઈનિંગમાં ૫૫ રનમાં ઓલઆઉટ થયા બાદ ભારત પણ પ્રથમ ઈનિંગમાં ૧૫૩ રનમાં ઓલઆઉટ થયું હતું. ભારતને ૯૮ રનની લીડ મળી હતી.
જાેકે ભારતની અંતિમ ૬ વિકેટ શૂન્ય રનમાં પડી હતી. ભારતનો સ્કોર એક સમયે ૪ વિકેટના નુકસાન પર ૧૫૩ રન હતો ત્યારે મોટી લીડ લેશે તેમ લાગતું હતું, પણ આ જ સ્કોર પર ટીમ ઈન્ડિયા ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારતના ૭ બેટ્સમેનો ખાતું પણ ખોલી શક્યા નહોતા. કોહલીએ સર્વાધિક ૪૬ રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ ૩૯ રન બનાવ્યા હતા.
સાઉથ આફ્રિકા તરફથી એનગિડીએ કાતિલ બોલિંગ કરતાં ૩૦ રનમાં ૩ વિકેટ લીધી હતી. તેણે એક જ ઓવરમાં ૩ વિકેટ ઝડપી ભારતીય ઈનિંગનું પાસું પલટી નાંખ્યું હતું. આ સિવાય રબાડાએ ૩૮ રનમાં ૩ તથા બર્ગરે ૪૨ રનમાં ૩ વિકેટ લીધી હતી.
આ પહેલા મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી બેટિંગનો ફેંસલો કર્યો હતો. જાેકે આ ફેંસલો ખોટો સાબિત થયો હતો અને સમગ્ર ટીમ ૨૩.૨ ઓવરમાં ૫૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારતીય બોલર મોહમ્મદ સિરાજે ઘાતક બોલિંગ કરી હતી. જેના કારણે દક્ષિણ આફ્રિકાના બે બેટ્સમેનો જ ડબલ આંકડામાં પહોંચી શક્યા હતા.
સિરાજે ૯ ઓવરમાં ૧૫ રન આપી ૬ વિકેટ લીધી હતી. ડેબ્યૂમેન મુકેશ કુમારે એક પણ રન આપ્યા વગર ૨ વિકેટ લીધી હતી. જ્યારે જસપ્રીત બુમરાહે ૨૫ રનમાં ૨ વિકેટ ઝડપી હતી. SS3SS