ભારત ભલે દુનિયામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર: પણ દેવું વધી રહ્યું છે
ભારતનું ત્રિમાસિક દેવું ૨૦૫ લાખ કરોડને આંબી ગયું
(એજન્સી)નવી દિલ્હી, હાલમાં ભારત ભલે દુનિયામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે પણ શું તમને ખ્યાલ છે કે ભારત પર કેટલું દેવું છે? ભારત પર દેવું વધતું જઈ રહ્યું છે. એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે દેશ પર ચાલુ નાણાકીય વર્ષ જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કુલ દેવું વધીને ૨.૪૭ ટ્રિલિયન ડૉલર એટલે કે ૨૦૫ લાખ કરોડને આંબી ગયું છે.
આ સૌની વચ્ચે ડૉલરની કિંમતમાં આવેલો ઉછાળો પણ આ દેવું વધવાનાં કારણોમાં સામેલ છે. એક અહેવાલ મુજબ અગાઉ ગત નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં કુલ દેવું ૨.૩૪ ટ્રિલિયન ડૉલર એટલે કે ૨૦૦ લાખ કરોડ રૂ. હતું. ઈન્ડિયાબોન્ડ્સ ડૉટ કોમના સહ-સંસ્થાપક વિશાલ ગોયનકાએ આરબીઆઈના આંકડાનો હવાલો આપતાં કેન્દ્ર અને રાજ્યો પર દેવાના આંકડા રજૂ કર્યા હતા.
તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર પર દેવું સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ૧૬૧.૧ લાખ કરોડ રૂપિયા થઈ ગયું જે માર્ચ ત્રિમાસિકમાં ૧૫૦.૪ લાખ કરોડ રૂપિયા હતું. રાજ્ય સરકારોના કુલ દેવામાં ભાગીદારી ૫૦.૧૮ લાખ કરોડ રૂપિયા હોય છે.