Western Times News

Gujarati News

સૌથી ધનાઢ્ય ભારતીય મહિલા સાવિત્રી જિંદાલે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો: ભાજપમાં જોડાયા

સાવિત્રી જિંદાલ પણ ભાજપમાં સામેલ થશે તેવી અટકળો-પુત્ર નવીન જિંદાલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે

નવી દિલ્હી, ભારતના સૌથી ધનિક મહિલા ગણાતા સાવિત્રી જિંદાલે કોંગ્રેસ સાથે છેડો ફાડવાની જાહેરાત કરી છે. સાવિત્રી જિંદાલના પુત્ર નવીન જિંદાલ તાજેતરમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. હવે સાવિત્રી જિંદાલ પણ ભાજપમાં સામેલ થશે તેવી અટકળો ચાલે છે. સાવિત્રી જિંદાલ ૩૦ અબજ ડોલરથી વધુ સંપત્તિના માલિક છે. તેઓ હરિયાણા સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ ઓપી જિંદાલ ગ્રુપના ચેરમેન છે.

લોકસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના બેન્ક ખાતા સિઝ થયેલા હોવાથી તે ભારે નાણાકીય સંકટમાં છે. બીજી તરફ ધનાઢ્ય નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. સાવિત્રી જિંદાલે Âટ્‌વટર પર પોતાની રાજીનામાની જાહેરાત કરી હતી. જોકે, હવે તેઓ ભાજપમાં જોડાશે કે નહીં તેના વિશે કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ.

સાવિત્રી જિંદાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, “મેં ધારાસભ્ય તરીકે ૧૦ વર્ષ સુધી હિસારના લોકોનું પ્રતિનિધિત્વ કર્યું છે. મંત્રી તરીકે મેં નિઃસ્વાર્થ ભાવે હરિયાણાની સેવા કરી છે. હિસારના લોકો મારો પરિવાર છે. મારા પરિવારની સલાહ પર હું કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહી છું. હું કોંગ્રેસના નેતૃત્વ અને મારા તમામ સાથીઓની હંમેશા આભારી રહીશ જેમણે હંમેશા મને સન્માન આપ્યું છે.”

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ પ્રમાણે સાવિત્રી જિંદાલ હાલમાં સૌથી ધનાઢ્ય ભારતીય મહિલા છે. તેઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી જેવા અમીર લોકોની સાથે દેશના ટોચના ૫ ધનિકોમાં સ્થાન ધરાવે છે. વિશ્વના ટોચના ધનિકોમાં તેઓ ૫૬મા ક્રમે છે. તેમની પાસે ૩૦ અબજ ડોલરની સંપત્તિ છે અને તેઓ અગ્રોહા સ્થિત મહારાજા અગ્રસેન કોલેજના પ્રમુખ પણ છે.

સાવિત્રી જિંદાલ ૧૦ વર્ષથી હિસારના ધારાસભ્ય છે. વર્ષ ૨૦૦૫માં તેમના પતિ અને જિંદાલ ગ્રુપના સ્થાપક ઓપી જિંદાલનું એક વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. ત્યાર પછી તેઓ હિસારથી હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીતી ગયા. ૨૦૦૯માં તેઓ ફરીથી આ સીટ પર જીત્યા હતા. તેમને ૨૦૧૩ સુધી હરિયાણા સરકારમાં મંત્રી પદ પણ આપવામાં આવ્યું હતું. ૨૦૧૪ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા.

તેમના પુત્ર નવીન જિંદાલ રુક્ષેત્ર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. લોકસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસ માટે આ મોટો ફટકો ગણી શકાય કારણ કે ઘણા મહત્ત્વના નેતાઓ કોંગ્રેસ છોડી ગયા છે અને ભાજપમાં જોડાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.