ટી-૨૦ સીરિઝની અંતિમ મેચમાં પણ ભારતની જીત
ફ્લોરિડા, શ્રેયસ અય્યરની (૬૪ રન) ધમાકેદાર ઈનિંગ્સ બાદ સ્પિનરોની ઘાતક બોલિંગના કારણે ભારતે પાંચમી અને અંતિમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. ૮૮ રનની વિશાળ અને એકતરફી જીત બાદ પાંચ મેચની T-૨૦ સીરિઝને ભારતે ૪-૧થી પોતાના નામે કરી હતી.
ટોસ જીત્યા બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ પહેલા બેટિંગ કરવાનો ર્નિણય લીધો હતો અને સ્કોરબોર્ડ પર સાત વિકેટ પર ૧૮૮ રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝની ટીમ ૧૫.૧ ઓવરમાં માત્ર ૧૦૦ રનમાં ઓલઆઉટ થઈ હતી. શિમરોન હેટમેયરને (૩૫ બોલમાં ૫૬ રન) છોડીને બાકી કોઈ પણ બેટ્સમેન ક્રીઝ પર ટકી શક્યો નહોતો. તેણે ૨૮ બોલના તેના કરિયરની સૌથી ઝડપી અડધી સદી પૂરી કરી હતી.
T-૨૦ ક્રિકેટમાં તેવું પહેલીવાર થયું હતું કે, તમામ ૧૦ વિકેટ સ્પિનર્સે લીધી હોય. અક્ષર પટેલે પાંચ ઓવરની અંદર જ વેસ્ટ ઈન્ડિઝના ત્રણ બેટ્સમેને પેવેલિયન ભેગા કરી દીધા હતા. પહેલી ઓવરથી જ વિકેટ પડવાની શરૂઆત થઈ હતી.
યુવા લેગ સ્પિનર રવિ બિશ્નોઈએ પોતાના કરિયરનું બેસ્ટ પર્ફોર્મન્સ આપતા ૨.૪ ઓવરમાં ૧૬ રન આપીને વિકેટ હડપી હતી. બીજી તરફ સીરિઝમાં પહેલી મેચમાં રમી રહેલા કુલદીપ યોદવે પણ ધમાકેદાર બોલિંગ કરી હતી, તેણે ૪ ઓવરના ક્વોટામાં માત્ર ૧૨ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
પેસર્સ એટલે કે અર્શદીપ સિંહ, આવેશ ખાન અને હાર્દિક પંડ્યાએ કોઈ વિકેટ નહોતી લીધી. સીરિઝને પહેલાથી જ પોતાના નામે કરી ચૂકેલી ટીમ ઈન્ડિયાએ ચાર અનુભવી ખેલાડીઓ રોહિત શર્મા, ઋષભ પંત, ભુવનેશ્વર કુમાર અને સૂર્યકુમાર યાદવને બ્રેક આપ્યો હતો, તેની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં ઈશાન કિશન, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા અને શ્રેયસ અય્યરની વાપસી થઈ હતી.
સીરિઝની પહેલી, ત્રીજી, ચોથી અને પાંચમી મેચ ભારતે જીતી હતી જ્યારે વેસ્ટ ઈન્ડિઝ માત્ર બીજી મેચ જીતવામાં સફળ રહ્યું હતું. મેચમાં ભારતીય ટીમ માટે ફરી એકવાર નવી જાેડીએ શરૂઆત કરી હતી.
પરંતુ ઈશાન કિશન ટીમમાં મળેલી તકનો લાભ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો હતો જ્યારે અય્યરે આકર્ષક શોટ લગાવ્યા હતા. હુડ્ડા જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ટીમ ૨૦૦થી વધુ રન તરફ જતી જાેવા મળી હતી.
ઓપનિંગ માટે મોકલવામાં આવેલા શ્રેયસ અય્યરે ૪૦ બોલની ઈનિંગ્સમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગાની સાથે ઈશાન કિશન સાથે પહેલી વિકેટ માટે ૩૮ રન અને દીપક હુડ્ડાની સાથે બીજી વિકેટ માટે ૭.૧ ઓવરમાં ૭૬ રનની ભાગીદારી કરી હતી. હુડ્ડાએ ૨૫ બોલની ઈનિંગ્સમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૩૮ રન કર્યા હતા. કેપ્ટન પંડ્યાએ અંતિમ ઓવરમાં રન આઉટ થતાં પહેલા ૨૮ રન બનાવ્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝ માટે ઓડીન સ્મિથે ચાર ઓવરમાં ૩૩ રન બનાવીને ત્રણ વિકેટ લીધી હતી. મેચની ૧૪મી ઓવરમાં વીજળી થતાં ૧૫ મિનિટ માટે મેચ રોકવી પડી હતી. ભારતીય ટીમ આ સમયે ત્રણ વિકેટ પર ૧૩૫ રનની સ્થિતિમાં હતી પરંતુ ત્યારબાદની ઓવરમાં સારા રન કરી શકી નહીં. સંજૂ સેમસેન (૧૫ રન) ફરી એકવાર ફાયદો ઉઠાવવામા નિષ્ફળ રહ્યો હતો તો દિનેશ કાર્તિકે (૧૨ રન) સતત બીજી મેચમાં ફિનિશરની ભૂમિકા નિભાવી શક્યો નહીં.SS1MS