સિયાચીનના સૈનિકોને ઠંડીથી સ્વદેશી યુનિફોર્મ બચાવશે
(એજન્સી)નવીદિલ્હી, સિયાચીનમાં સૈનિકોને સ્વદેશી યુનિફોર્મ ઠંડીથી બચાવશે. હવે માઈનસ ૫૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ફરજ બજાવતા જવાનો માટે દેશમાં ક્લાઈમેટ સિસ્ટમ ડ્રેસ તૈયાર થઈ જશે. અત્યાર સુધી આ પ્રકારના ડ્રેસની આયાત સિંગાપોર, મલેશિયા અને અમેરિકાથી કરવામાં આવતી હતી.
હવે તેને દેશમાં તૈયાર કરવાની યોજનાને મંજૂરી મળી ગઈ છે. પેરાશૂટ બનાવતી ઓર્ડનન્સ ઇક્વિપમેન્ટ ફેક્ટરી ખાતે મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ડિવિઝનલ ઓફિસર માર્કેટિંગ પરવેઝ વાડેરે જણાવ્યું કે સિયાચીનમાં માઈનસ ૫૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં જવાનો માટે ડ્યૂટી કરવી ખૂબ જ મુશ્કેલ છે.
આ સૈનિકોની સુરક્ષા માટે સ્ટીમ કોલ્ડ વેધર ક્લોથિંગ સિસ્ટમ હેઠળ ડ્રેસ તૈયાર કરવામાં આવે છે. પરવેઝ વૈદરે જણાવ્યું કે ડ્રેસનું ફેબ્રિક લુધિયાણા સહિત અન્ય શહેરોમાંથી ખરીદવામાં આવશે. જેમાં નાયલોન, પોલિએસ્ટર અને થર્મલ ઇન્સ્યુલેટરનું પ્રોસેસિંગ કરીને ડ્રેસ તૈયાર કરવામાં આવશે. આ માટે કારખાનામાં મશીનો મંગાવવામાં આવ્યા છે.