છેલ્લા ૯ માસથી ઇન્દ્રપ્રસ્થનું રસોડું કરી રહ્યું છે દર્દીઓના સ્વજનોની ભોજન સેવા
(માહિતી) વડોદરા, ભારતીય સંસ્કૃતિમાં આંગણે આવેલા અતિથિને આવકાર અને ભૂખ્યાને ભોજન કરાવવાનો મહિમા ખુબ મોટો છે. અન નાત જાત ધર્મ કે સંપ્રદાયના ભેદ વગર સદીઓ થી આગળ વધારવામાં આવી છે.દેશના તમામ ભાગોમાં આ માનવતા પ્રેરક પરંપરા બનીને વિકસી છે.
બાળપણ થી ધાર્મિક અને સાંસ્કૃતિક, બંને રીતે સંસ્કારોનું સિંચન તેના મૂળમાં છે.વડોદરાનું ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન (ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ) માનવધર્મ નિભાવવામાં હંમેશા આગળ રહે છે.
સાંસદ શ્રીમતિ રંજનબેન ભટ્ટ ના માર્ગદર્શન હેઠળ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર વણિક ટ્રસ્ટ અને દાતા ઓ ના સહયોગ થી સતત ૯ માસથી દર શનિવાર અને રવિવાર તથા રજાના દિવસોમાં ગોત્રી હોસ્પિટલ ના દરવાજા સામે સાત્વિક અને પૌષ્ટિક ભોજન પીરસવા માં આવે છે.
ભોજન સેવા થી પ્રભુ સેવાના ઉમદા આશય થી આ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. મોટા ભાગે લોકો વિચારતા હોય છે કે સેવા માટે ધન ની જરૂર હોય છે. પણ સેવા માટે ધન કરતા ઉદાર મનની વધારે જરૂર પડતી હોય છે. ઇન્દ્રપ્રસ્થ નું રસોડું દરેક વ્યક્તિનો જઠરાગ્રિ ઠારવા પ્રયત્ન કરે છે.
સવારના ૮ઃ૩૦ થી બપોરના ૧ઃ૦૦ વાગ્યા સુધી માત્ર ૫ રૂપિયા માં અવિરત ભોજન પીરસવામાં આવે છે. ૫ રૂપિયા પણ કોઈ મફત જમવાની શરમ ન અનુભવે તે માટે લેવામાં આવે છે, ટૂંકમાં રૂપિયા હોય કે ના હોય ભોજન તો દરેકને પીરસાય છે. ઈશ્વર કૃપા અને દાતા ઓના અવિરત સહયોગથી આજસુધી ઇન્દ્રપ્રસ્થ ની ભોજન સેવામાં કોઈ અડચણ આવી નથી.
ધોધમાર વરસાદ વાળા ચોમાસામાં પણ ચાલતી રહી છે. ઇન્દરપ્રસ્થ નું રસોડું એ ઈશ્વર ચલાવે છે. મંડળ ના કાર્યકરો માત્ર સેવા પ્રત્યે ની ફરજ નિભાવે છે તેવી ઉમદા વિચારધારા આ સેવાનું ચાલક બળ છે.