આ કારણસર થઈ ઇન્ડસ યુનિવર્સિટીના ઈન્ટ. ડાયરેક્ટરની ધરપકડ
અમદાવાદ, અમદાવાદમાં વિદેશી યુવતી સાથે તેના જ ડિરેક્ટર દ્વારા છેડતી કરી હોવાની ફરિયાદ બોપલ પોલીસ મથકમાં નોંધાઈ હતી. જોકે ફરિયાદને આધારે બોપલ પોલીસે તાત્કાલિક છેડતી કરનાર ઇન્ટરનેશનલ ડિરેક્ટરની ધરપકડ કરી છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો પાપુઆ ન્યુગિનીની જેતેલીન કાવાસ નામની વિદ્યાર્થીની ઇન્ડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને યુનિવર્સિટીના બોપલ વિસ્તારમાં આવેલા પીજીમાં રહે છે. આ પીજીમાં ઇન્ટરનેશનલ ડાયરેક્ટર તરીકે નોકરી કરતા મૃદંગ દવે ગત ૧૧ તારીખે યુવતીની છેડતી કરી હતી.
જે બાદ યુવતી ડરી ગઈ હતી અને આખરે તેણે ૨૨ તારીખે બોપલ પોલીસ મથકમાં સમગ્ર હકીકત જણાવી છેડતી કરનાર મૃદંગ દવે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપી મૃદંગ દવે ઇન્ડસ યુનિવર્સિટીમાં ડાયરેક્ટર તરીકે નોકરી કરતો હતો, જે ફોરેન વિદ્યાર્થીઓને લાવવાનું તેમજ તેમને અલગ અલગ સુવિધા આપવાનું કામકાજ કરતો હતો. જોકે ગત તારીખ ૧૪ ના રોજ આરોપી મૃદંગ દવે નોકરી છોડી દીધી હતી.
અમદાવાદ ગ્રામ્યના એસપી મેઘા તેવારે જણાવ્યું હતું કે, બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દક્ષિણ આફ્રિકાના એક બહેન ભાડે રહે છે. તે ઇન્ડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તેમની સાથે છેડતીની ઘટના 11 સપ્ટમ્બરે બની હતી. તેઓ ડરી જતાં વડોદરામાં તેના પરિચિત પાસે રહેવા જતાં રહ્યાં હતાં.
22 સપ્ટેમ્બરે તેણે પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને તેની છેડતી અંગેની ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના અનુસંધાને આરોપી મૃદંગ દવે છે તે પણ ઇન્ડસ યુનિવર્સિટીમાં જ રહે છે. તે ઇન્ટરનેશનલ ડાયરેક્ટર તરીકે એટલે કે વિદેશી વિદ્યાર્થીઓને અહીંની ભાષા ન આવડતી હોય એટલે મદદરૂપ થતો હતો. ભોગ બનનાર ક્લિનિકલ રિસર્ચ તરીકેનો અભ્યાસ કરે છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા બે થી ત્રણ વર્ષથી મૃદંગ દવે યુનિવર્સિટીમાં નોકરી કરતો હતો, પરંતુ આ સમયગાળા દરમિયાન તેમણે કોઈ અન્ય વિદ્યાર્થીનીની છેડતી કરી હોય તેવી ફરિયાદ સામે આવી નથી. હાલ તો પોલીસે ફરિયાદના આધારે મૃદંગ દવેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.