ઉદ્યોગ મંત્રીએ માતા, ધરતી માતા, ભારત માતા, ગૌ માતા અને નદી માતાને સમર્પિત પાંચ વૃક્ષોનું વાવેતર કર્યું
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થવા ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે તેમના મત વિસ્તાર સિદ્ધપુરના ગોકુલ પરિસર ખાતે વૃક્ષારોપણ કર્યું હતું.
ઉદ્યોગ મંત્રીશ્રીએ એક વૃક્ષ તેમની માતા, એક વૃક્ષ જીવસૃષ્ટિને પોષણ આપનાર ધરતી માતા, એક વૃક્ષ જીવસૃષ્ટિને સંતૃપ્ત કરનાર નદી માતા, એક વૃક્ષ માનવજીવનને પોષનાર ગૌ માતા અને એક વૃક્ષ માતૃભૂમિ ભારત માતાને નામે મળીને કુલ પાંચ વૃક્ષોનું વાવેતર કર્યું હતું.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વિશ્વ પર્યાવરણ દિવસના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કરાવીને ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલી રૂપે એક વૃક્ષ વાવવાનું આહવાન કર્યું હતું. જેનો હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પરિવાર સાથે વૃક્ષા રોપણ કરીને ‘એક પેડ માં કે નામ’ અભિયાનને ગુજરાતમાં વેગ આપ્યો છે.
મંત્રી શ્રી રાજપૂતે રાજ્યના સૌ નાગરિકોને આ અભિયાનમાં જોડાઈને પોતાની માતા અને ભારત માતાના નામે વૃક્ષો વાવવા આહવાન કર્યું હતું. સાથે જ તેમના મત વિસ્તારને પણ “હરિયાળું સિદ્ધપુર” બનાવવા તેમણે સૌને આગ્રહ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રી વૃક્ષારોપણ સમયે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વડાપ્રધાનશ્રીના દરેક અભિયાનમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે, તેમ ‘એક પેડ માં કે નામ’ અભિયાનને પણ સૌ ગુજરાતીઓ વ્યાપક પ્રતિસાદ આપીને સફળ બનાવશે અને અગ્રેસર રહેશે.