મોંઘવારીના દરમાં ઘટાડોઃ ૫ વર્ષના સૌથી નીચલા સ્તર પર પહોંચી
જૂલાઈ ૨૦૨૩માં ગ્રાહક મોંઘવારી દર ૭.૪ ટકા પર પહોંચી ગયો હતો જે ઘટીને ૩.૫ ટકા થયો
(એજન્સી)નવી દિલ્હી, દેશમાં મોંઘવારીના મુદ્દે ભારે ઉહાપોહ મચ્યો છે. ખાસ કરીને ખાદ્ય પદાર્થોના ભાવો અને તેમાં પણ શાકભજીના ભાવોમાં અસામાન્ય ઉછાળો જોવા મળ્યો છે.
જેના પગલે મધ્યમવર્ગના અને ગરીબ વર્ગના લોકા ભારે મુશ્કેલીમાં મુકાય છે. મોંઘવારીના મુદ્દે રાજકીય પક્ષોના નેતાઓ વચ્ચે આક્ષેપો અને પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે આજે તા.૧૨મીએ મોંઘવારીના દર જાહેર કર્યો છે. જેમાં છેલ્લાં ૫ વર્ષમાં સૌથી નીચલા સ્તરે મોંઘવારી પહોંચતા નાગરિકો માટે રાહતના સમાચાર છે. જોકો, હજુ પણ શાકભાજીના ભાવ ઘટે તેવી લાગણી દેશભરમાં જોવા મળી રહી છે.
સરકારે મોંઘવારીના તાજા આંકડા જાહેર કરી દીધા છે. ૧૨ જૂલાઈના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, જૂલાઈમાં ભારતનો છુટક મોંઘવારી દર ઘટીને લગભગ પાંચ વર્ષના સૌથી નીચલા સ્તર ૩.૫ ટકા પર આવી ગયો. મોંઘવારીનો આ ઘટાડો સારા બેસ ઈફેક્ટના કારણે આવ્યો છે. જૂલાઈ ૨૦૨૩માં ગ્રાહક મોંઘવારી દર ૭.૪ ટકા પર પહોંચી ગયો હતો.
અર્થશાસ્ત્રીઓની વાત માનીએ તો, જૂલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૪ માટે ભારતીય રિઝર્વ બેન્કના ૪.૪ ટકા મોંઘવારી દરના અનુમાનની તુલનામાં મોંઘવારી દરમાં ઘટાડો આશ્ચર્યજનક હોય શકે છે. કેન્દ્રીય બેન્કે નાણાકીય વર્ષ ૨૫ માટે કુલ મોંઘવારી દરના અનુમાનને ૪.૫ ટકા પર રાખ્યું છે. જો કે, તેણે નાણાકીય વર્ષ ૨૫ના બીજા ક્વાર્ટર માટે ૩.૮ ટકાથી વધીને ૪.૪ ટકા મોંઘવારી દરનું અનુમાન લગાવ્યું છે.
ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે ૮ ઓગસ્ટના રોજ ઘરોમાં મોંઘવારીની વધતી આશા પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, મુખ્ય ફુગાવામાં ઘટાડો મૌદ્રિક વલણમાં ફેરફારના કારણ નથી. ભારતીય રિઝર્વ બેન્કે ૮ ઓગસ્ટના રોજ પોતાની નીતિગત બેઠકમાં સતત નવમી વાર નીતિગત દરમાં કોઈ ફેરફાર કર્યો નથી.
દેશના ઔદ્યોગિક ઉત્પાદન જૂન મહિનામાં ખનન અને વીજળી ક્ષેત્રમાં સારા પ્રદર્શનના કારણે ૪.૨ ટકાના દરથી વધ્યું છે. સોમવારે જાહેર થયેલા સત્તાવાર આંકડામાં આ જાણકારી આવી છે. ગત વર્ષે જૂનમાં ઔદ્યોગિક ઉત્પાદનનો વધારો ચાર ટકા રહ્યો હતો.