Western Times News

Gujarati News

બ્રિટનમાં ફુગાવાનો દર એપ્રિલમાં ૩.૫%: સવા વર્ષમાં સૌથી વધુ

લંડન, બ્રિટનમાં એપ્રિલ મહિનામાં ફુગાવાનો દર વધીને ૩.૫ ટકા થયો હતો, જે માર્ચમાં ૨.૬ ટકા હતો. છેલ્લાં સવા વર્ષમાં આ દર સૌથી વધારે છે.

નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસે બુધવારે આ ડેટા જાહેર કર્યા હતા. સ્થાનિક સ્તર પર ઉર્જા અને પાણીના બિલમાં વધારાને પગલે ફુગાવો વધ્યો હતો. કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ આધારીત ફુગાવાનો દર એપ્રિલમાં ૩.૫ ટકા રહ્યો હતો.

જાન્યુઆરી-૨૦૨૪ પછીથી એપ્રિલનો ફુગાવાનો દર સૌથી વધારે છે. અર્થશાસ્ત્રીઓએ ફુગાવાનો દર ૩.૩ ટકા રહેશે તેવો અંદાજ આપ્યો હતો જેના કરતાં પણ વાસ્તવિક ફુગાવો વધારે રહ્યો છે. વળી, જે પ્રમાણમાં ફુગાવો વધ્યો છે તે ઓક્ટોબર-૨૦૨૨ પછીથી સૌથી વધારે છે.

૨૦૨૨માં યુક્રેન-રશિયા યુદ્ધને કારણે એનર્જી પ્રાઈસીસ ખાસ્સા ઊંચા હતા. વીજળી અને પાણી મોંઘા થતા દરેક ઘરનું બિલ વધ્યું હતું અને તેને કારણે ફુગાવો વધ્યો હતો. આ ઉપરાંત કંપનીઓ પર ઊંચા ટેક્સની અસર પણ જોવાઈ હતી અને લઘુતમ વેતનમાં નોંધપાત્ર વધારાની અસર પણ જોવાઈ હતી.

મહત્વની વાત એ છે કે એપ્રિલના ફુગાવાને પગલે હવે સમગ્ર વર્ષ એટલે કે ડિસેમ્બર સુધી રિટેલ ફુગાવાનો દર ૩ ટકાથી વધુ જ રહેશે તેવું અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે. આવા સંજોગોમાં નજીકના ગાળામાં બેન્ક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા વ્યાજના દરમાં હવે વધુ ઘટાડાની સંભાવના ઘટી ગઈ છે.

બેન્ક ઓફ ઈંગ્લેન્ડનો ફુગાવાનો ટારગેટ ૨ ટકા છે, જે હવે મુશ્કેલ બનવા લાગ્યો છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ચીફ ઈકોનોમિસ્ટ હ્યુવ પિલે કહ્યું હતું કે વ્યાજના દર વધારે ઝડપથી ઘટાડવામાં આવ્યા જેને કારણે ફુગાવાની સમસ્યા સર્જાઈ છે. ગત ઓગસ્ટમાં વ્યાજના દર ૧૬ વર્ષની ટોચે ૫.૨૫ ટકા હતા ત્યાંથી દર ત્રણ મહિને વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

આ મહિનાની શરૂઆતમાં તેની એમપીસીની મીટિંગમાં પણ વ્યાજદર ૦.૨૫ ટકા ઘટાડીને ૪.૨૫ ટકા કરવામાં આવ્યા હતા. પેન્થિયન મેક્રોઈકોનોમિક્સના યુકે ખાતેના ચીફ ઈકોનોમિસ્ટ રોબ વૂડે કહ્યું હતું કે દર ત્રણ મહિને વ્યાજદરમાં ઘટાડાનો સમય હવે પૂરો થઈ ગયો છે.

જાપાનની અમેરિકા ખાતે નિકાસ એપ્રિલમાં ૨ ટકા જેવી ઘટી હતી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લાગુ કરેલા ટેરિફની અસર જોવા મળી હતી. હજી જુલાઈથી ટેરિફ વધશે. અમેરિકા ખાતેથી જાપાનની આયાત ૧૧ ટકાથી વધુ ઘટી હતી.

સમગ્ર વિશ્વમાં જાપાનની નિકાસ ૨ ટકા વધી હતી. માર્ચમાં ૪ ટકા વધી હતી. આમ, અન્ય દેશોમાં પણ નિકાસ વૃદ્ધિ ધીમી પડી હતી. કુલ આયાત ૨.૨ ટકા ઘટી હતી. ત્રણ મહિનામાં પહેલી વાર ટ્રેડ ડેફિસિટ જોવા મળી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.