કર્ણાટક હાઇકોર્ટે ઇન્ફોસિસના કો-ફાઉન્ડર ક્રિશ ગોપાલકૃષ્ણન સામેની FIR રદ કરી

ફરિયાદને કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ ગણાવ્યો
ફરિયાદકર્તા સામે ફોજદારી તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી આપી
બેંગાલુરુ, 28 એપ્રિલ – કર્ણાટક હાઇકોર્ટે શિડ્યુલ્ડ કાસ્ટ્સ એન્ડ શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ), એક્ટ 1989 હેઠળ ઇન્ફોસિસના કો-ફાઉન્ડર ક્રિશ ગોપાલકૃષ્ણન તથા અન્યો સામે કરાયેલી એફઆઈઆર રદ કરી છે. કોર્ટે ફરિયાદને કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ ગણાવી હતી અને ફરિયાદી સામે ફોજદારી તિરસ્કારની કાર્યવાહી કરવાની સ્વતંત્રતા આપી હતી.
16 એપ્રિલે આ ચુકાદો આપનાર ન્યાયમૂર્તિ હેમંત ચંદનગૌદરે નિરીક્ષણ કર્યું હતુ કે ફરિયાદ અરજદારને હેરાન કરવા માટેનો ઉશ્કેરણીજનક પ્રયાસ હતો.
આ એફઆઈઆર ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (આઈઆઈએસસી)ના ભૂતપૂર્વ ફેકલ્ટી મેમ્બર ડી. સન્ના દુર્ગપ્પા દ્વારા દાખલ કરાયેલી ખાનગી ફરિયાદના આધારે નોંધાઈ હતી. દુર્ગપ્પાને જાતિય સતામણીના આક્ષેપોમાં આંતરિક તપાસના પગલે 2014માં નોકરીમાંથી બરતરફ કરાયા હતા.
કોર્ટે નોંધ્યું હતું કે વર્ષ 2015માં હાઇકોર્ટ સમક્ષ તેને પડકારવામાં આવ્યા બાદ નોકરીમાંથી બરતરફીને રાજીનામામાં ફેરવવામાં આવી હતી. ત્યારબાદ થયેલા સમાધાનના ભાગરૂપે દુર્ગપ્પાએ સંસ્થાન અને તેના પ્રતિનિધિઓ સામેની તમામ ફરિયાદો તથા કાયદેસરની પ્રક્રિયાઓ પાછી ખેંચી લેવા સંમતિ આપી હતી.
આમ છતાં, તેમણે વધુ બે એફઆરઆઈ દાખલ કરી હતી જે બંને વર્ષ 2022 અને 2023માં રદ કરાઈ હતી. કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે વર્તમાન એફઆઈઆરમાં એ જ પ્રકારના આક્ષેપો હતા અને તે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ હતો.
ચુકાદા અંગે પ્રતિક્રિયા આપતા ક્રિશ ગોપાલકૃષ્ણને જણાવ્યું હતું કે મને આપણી અદાલતો અને ન્યાયિક વ્યવસ્થામાં પૂર્ણ શ્રદ્ધા છે. આ ચુકાદો પુનઃસ્થાપિત કરે છે કે કાયદાકીય જોગવાઈઓના દુરુપયોગને ન્યાયી અને મુક્ત વ્યવસ્થામાં કોઈ સ્થાન નથી. મને આભારી છું કે માનનીય હાઇકોર્ટે જૂઠ્ઠી રજૂઆતોને જાણી લીધી હતી અને સત્યને સમર્થન આપ્યું હતું.
કોર્ટે વધુમાં ઠરાવ્યું હતું કે આ આક્ષેપોમાં એસસી/એસટી (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ) એક્ટ હેઠળ કોઈ ગુનો થતો નથી અને નોંધ્યું હતું કે આ બાબત મૂળે દીવાની પ્રકારની હતી પરંતુ તેને ખોટી રીતે ફોજદારી રૂપ આપવામાં આવ્યું હતું.
હાઇકોર્ટે દુર્ગપ્પા વિરુદ્ધ ફોજદારી તિરસ્કાર કાર્યવાહી શરૂ કરવા માટેની મંજૂરી મેળવવા એડવોકેટ જનરલનો સંપર્ક કરવાની ક્રિશ ગોપાલકૃષ્ણન અને અન્ય અરજદારોને મંજૂરી પણ આપી છે.