સેન્ટ્રલ જેલમાં કેદીઓ આપશે SSC અને HSCની પરીક્ષા
વડોદરા, સમગ્ર ગુજરાતમાં માર્ચ મહિનામાં એસ.એસ.સી અને એચ.એસ.સી બોર્ડ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, તેથી પરીક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
જેમાં ખાસ કરીને આ વર્ષે એસ.એસ.સી અને એચ.એસ.સી બોર્ડ પરીક્ષામાં સ્કૂલોના વિદ્યાર્થીઓની સાથે સેન્ટ્રલ જેલના ૨૨ કેદીઓ પરીક્ષા આપવાના છે, જેની પણ તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે.
બોર્ડ પરીક્ષામાં વડોદરા શહેર જિલ્લામાંથી ૭૫,૩૧૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, જેના માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ધોરણ ૧૦ની એસ.એસ.સી બોર્ડની પરીક્ષા માટે ૯૦ કેન્દ્રની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ધોરણ ૧૨ એચ.એસ.સી બોર્ડની પરીક્ષા માટે ૪૦ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે.
સ્કૂલોના સામાન્ય વિદ્યાર્થીની સાથે વડોદરા સેન્ટ્રલ જેલના કેદીઓ પણ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાના છે, જેમાં એસ.એસ.સી ધોરણ ૧૦ ની બોર્ડ પરીક્ષામાં ૧૧ તેમજ ધોરણ ૧૨ ની એચ.એસ.સીની બોર્ડ પરીક્ષામાં ૧૧ મળી કુલ ૨૨ કેદીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે.
ત્યારે સેન્ટ્રલ જેલના વહીવટી તંત્ર દ્વારા પણ કેદીઓની બોર્ડ પરીક્ષા માટેની તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે જેમાં એક વિશેષ રૂમ પરીક્ષા માટે ફાળવવામાં આવ્યો છે. જે રૂમમાં સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ પરીક્ષા લેવાશે.
સેન્ટ્રલ જેલમાં લેવાનાર પરીક્ષામાં પણ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી માંથી સુપરવાઈઝર, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ઉપરાંત જેલના સુપ્રિટેન્ડેન્ટ પણ પરીક્ષા પર સતત સુપરવિઝન કરશે. જેલમાં પરીક્ષા આપનાર કેદીઓ માટે વેલ્ફર ફંડ માંથી કેદીઓને જોઈતા પ્રમાણમાં પુસ્તકો, નોટબુક, પેન સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.SS1MS