વરસાદ સારો રહ્યો છતાં પણ શાકભાજીના ભાવો ઘટ્યા નહિં

અમદાવાદ, શાકભાજીના ભાવમાં જાેરદાર ઉછાળો આવ્યા બાદ હજુ સુધી ગૃહિણીઓને કોઈ રાહત મળી નથી. સામાન્ય રીતે વરસાદ આવે એટલે ચોમાસાની શરૂઆતના પંદર દિવસ બાદ જ શાકભાજીની આવક વધે અને ભાવમાં ઘટાડો થવાની શરૂઆત થઈ જાય પરંતુ શાકભાજીના મુદ્દે અમદાવાદની પરિસ્થિતિ વિપરીત થઈ છે.
દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં સતત વરસાદના કારણે મહારાષ્ટ્ર તરફથી આવતાં શાકભાજીમાં ઘટાડો થયો છે ત્યારે શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવમાં પણ વધારો થયો છે. અમદાવાદનાં બજારામાં મળી રહેલાં શાકભાજીનાં ભાવમાં વધારો થતાં હવે ગૃહિણીઓની હાલત કફોડી થઈ છે.
શાકભાજીના ભાવ ઘટવાના બદલે સ્થિર થઇ ગયેલા જાેવા મળી રહ્યા છે. આ ભાવ વધારો હજુ પણ આગામી પંદર દિવસ સુધી રહે તેવી શક્યતા છે અને જાે વરસાદ વધુ સમય ચાલુ રહેશે તો ગૃહિણીઓએ શાકભાજીના ભાવમાં ઘટાડા માટે મહિના પણ રાહ જાેવી પડી શકે છે.
અમદાવાદમાં ગૃહિણીઓની એક સાંધે અને તેર તૂટે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે તેથી તેમને વધુને વધુ કરકસર કરવી પડી રહી છે. ગૃહિણીઓના મતે પહેલાં ૧૦૦ રૂપિયા લઇને જતાં હતાં ત્યારે બે કે ત્રણ શાક આવી જતાં હતાં, અત્યારે ૧૦૦ રૂપિયામાં માંડ એક કે બે શાક આવે છે. ૨૦૦ રૂપિયા લઈને નીકળીએ ત્યારે પણ પૂરું શાક આવતું નથી.
સતત વરસી રહેલા વરસાદની સીધી અસર શાકભાજી પર થઇ રહી છે. બીજી તરફ શાકભાજી ઘર સુધી પહોંચતાં પહોંચતા હોલસેલ બજાર કરતાં ૩૦ટકા ભાવ વધી જાય છે. બજારમાં વધેલા ભાવ પાછળ વરસાદ જવાબદાર છે. જાે આજ પ્રકારે વરસાદ વરસતો રહ્યો તો આવનારા દિવસોમાં હજુ પણ વધુ ભાવ વધારો થઇ શકે છે.
વેપારીઓના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે વરસાદી માહોલ સર્જાયો છે. એના કારણે શાકભાજીની આવકમાં ૩૦થી ૪૦ ટકા ઘટાડો નોંધાયો છે. એટલા માટે શાકના ભાવ વધેલા રહ્યા છે.
સતત પડતા વરસાદ અને વાદળછાયા વાતાવરણના કારણે શાકભાજીના છોડમાં રોગ અને જીવાત બેસી જાય છે તો કેટલાંક ખેતરમાં સતત પાણી ભરાઈ રહેતાં પાક કોહવાઈ જાય છે. જેના કારણે શાકભાજીની આવક પૂરતી રહેતી નથી અને આવક ઘટવાના કારણે ભાવ ઊંચા રહે છે. આ ભાવ વધારો હજુપણ આગામી પંદર દિવસ સુધી રહે તેવી શક્યતા છે.