ઇન્સ્ટા ફેમ કોન્સ્ટેબલ હેરોઇન સાથે ઝડપાઇ

અમૃતસર, પંજાબની મહિલા કોન્સ્ટેબલ અમનદીપ કૌર પાસેથી ૧૭.૭૧ ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું જેને પગલે તેની ધરપકડ કરાઇ છે સાથે જ પોલીસ વિભાગમાંથી તેની હકાલપટ્ટી કરવામાં આવી છે.
અમનદીપ પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે સાથે જ મોંઘી કારો પણ રાખે છે જેની પણ પોલીસ દ્વારા તપાસ કરાશે.બઠિંડાના ડીએસપી હરબાનસિંહે કહ્યું હતું કે એન્ટી નાર્કાેટિક્સ ટાસ્ક ફોર્સ અને પોલીસ દ્વારા પંજાબમાં ડ્રગ્સ વિરોધી ઓપરેશન ચલાવાઇ રહ્યું છે, જેના ભાગરુપે અમે બાદલ ફ્યાલઓવર પાસે એક કાર થારને ઉભી રખાવી હતી જેમાં અમનદીપ અને અન્ય એક પુરુષ બેઠો હતો. કારની તપાસ કરતા તેમાંથી હેરોઇન મળી આવ્યું હતું.
અમનદીપ માનસા પોલીસ સ્ટેશનમાં તૈનાત હતી. હાલ તેની સામે નાર્કાેટિક્સ ડ્રગ્સ વિરોધી કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરી ધરપકડ કરાઇ છે. સાથે જ સેવામાંથી ડિસમિસ કરી દેવામાં આવી છે.
પોલીસ કૌરદીપ તરીકે સોશિયલ મીડિયા પર એકાઉન્ટર બનાવીને આ મહિલા કોન્સ્ટેબલ રોજ એક પોસ્ટ કરતી હતી, સાથે જ રીલ્સ પણ બનાવતી હતી. મોટાભાગની રીલ્સમાં પોતાની થાર કાર સાથે જોવા મળતી હતી. યુનિફોર્મ પહેરીને પણ રીલ્સ બનાવતી હતી. જેમાં પંજાબી ગીતોને સામેલ કરતી હતી. કેટલાક વીડિયોમાં તે આઇફોન સાથે જોવા મળતી હતી. ઇન્સ્ટાગ્રામ પર કૌરના ૩૭,૦૦૦ ફોલોઅર્સ છે.
દરમિયાન એવા આરોપો લાગ્યા છે કે અમનદીપ પાસે બે કરોડ રૂપિયાનું વૈભવી ઘર છે. સાથે જ અનેક મોંઘી કારો પણ રાખે છે જેમાં ગુરમીત કૌર નામની એક મહિલાએ દાવો કર્યાે હતો કે મે અગાઉ પોલીસ વિભાગને આ મહિલા કોન્સ્ટેબલ અંગે ફરિયાદ કરી હતી.
જોકે કોઇ પગલા નહોતા લેવામાં આવ્યા. હાલ પોલીસ સેવામાંથી તેને કાઢી મુકવામાં આવી છે સાથે જ આ હેરોઇન ક્યાંથી લાવી તેની તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત કોન્સ્ટેબલ તરીકે મળતા પગારમાં તેણે કરોડો રૂપિયાની સંપત્તિ ક્યાંથી વસાવી અને આટલી મોંઘી કાર ક્યાંથી આવી તેની પણ તપાસ ચાલી રહી છે.SS1MS