Western Times News

Gujarati News

યુદ્ધ વિરામનો અમલ કરવાના બદલે રશિયાએ યુક્રેન પર રાજકીય અને લશ્કરી હુમલાની શરૂઆત કરી દીધી

યુએસએ રશિયાનાં તમામ ઉત્પાદનો પર પ્રતિબંધની ચીમકી આપી

રશિયાએ યુક્રેનના ખાર્કિવ ખાતે મિલિટરી હોસ્પિટલ પર ડ્રોન હુમલો કર્યાે હતો

કિવ,
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થીમાં યુક્રેન અને રશિયાએ યુદ્ધ વિરામ માટે સંમતિ દર્શાવી હતી. યુદ્ધ વિરામનો અમલ કરવાના બદલે રશિયાએ યુક્રેન પર રાજકીય અને લશ્કરી હુમલાની શરૂઆત કરી દીધી છે. રશિયાના પ્રમુખ પુતિને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીની સરકારને ગેરકાયદેસર ગણાવી હતી. ત્યારબાદ રશિયાએ યુક્રેનના ખાર્કિવ ખાતે મિલિટરી હોસ્પિટલ પર ડ્રોન હુમલો કર્યાે હતો, જેમાં બે વ્યક્તિનાં મોત થયા હતા અને ડઝનથી વધુ ઘાયલ થયા હતા. રશિયાના આ પગલાથી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા છે અને રશિયાના તમામ પર ઉત્પાદન પર પ્રતિબંધની ચીમકી ઉચ્ચારી છે.

રશિયાએ યુક્રેનના ખાર્કિવ ખાતે મિલિટરી હોસ્પિટલ પર ડ્રોન હુમલો કર્યાે હતો. યુક્રેન એરફોર્સના જણાવ્યા મુજબ, રશિયાએ ૧૧૧ ડ્રોનથી રવિવારે રાત્રે હુમલા કર્યા હતા. તેમાંથી ૬૫ ડ્રોનને આંતરવામાં સફળતા મળી હતી અને ૩૫ છટકી ગયા હતા. આ હુમલામાં હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા ૬૫ વર્ષીય પુરુષ અને ૭૦ વર્ષીય મહિલાનું મોત થયુ હતું. યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહમાં યુક્રેનના મોટાભાગના વિસ્તારો પર રશિયાએ હુમલા કર્યા છે. ૧૩૧૦ ગાઈડેડ એરિયલ બોમ્બ અને હજારથી વધુ ડ્રોન્સ સાથે રશિયાએ હુમલા કર્યા હતા. રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને આક્ષેપ કર્યાે હતો કે, યુક્રેનના બંધારણ મુજબ ઝેલેન્સ્કીની મુદત ગત વર્ષે પૂરી થઈ છે અને યુદ્ધ વિરામની સંધિ પર સહી કરવા તેઓ અધિકૃત નથી.

રશિયાએ યુક્રેન પર બે મોરચે પ્રહાર શરૂ કરતાં ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા છે. પુતિને ઝેલેન્સ્કીની વિશ્વસનીયતા અને સત્તા અંગે કરેલી ટિપ્પણીને વખોડતા ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ રશિયા પર ખૂબ ગુસ્સે ભરાયા છે અને પુતિનથી કંટાળી ગયા છે. યુદ્ધ વિરામના કરાર ન થાય તો તેના માટે રશિયા જ જવાબદાર હશે. રશિયા ન સુધરે તો ટ્રમ્પે રશિયા પાસેથી ઓઈલ સહિતની તમામ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવાની ચીમકી આપી હતી. રશિયાની ધમકી આપતી વખતે પણ ટ્રમ્પે પુતિન સાથે ખૂબ સારા સંબંધ હોવાનો દાવો કર્યાે હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.